ઇમામ હુસૈન અને 72 શહીદોની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા તાજિયાનું ઝુલુસ કઢાયું, હિન્દુ ભાઈઓએ પણ સબીલ બનાવી કોમી એકતાના દર્શન કરાવ્યામોરબી : મોરબીમાં આજે યોમે આશુરા એટલે કે મહોરમના 10મા દિવસે ઇમામ હુસૈન અને કરબલાના 72 શહીદોની યાદમાં સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાભેર તાજિયાનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું. આ ઝુલુસમાં મુસ્લિમ બિરાદરોની સાથે હિન્દુ ભાઈઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા, જે મોરબીની શાંતિ અને ભાઈચારાની પરંપરાને ઉજાગર કરે છે.મોરબીની કાયમી પરંપરા મુજબ તાજિયાનું ઝુલુસ પોતાના નિર્ધારિત રૂટ પર ફર્યું હતું. આ સમયે મોરબીની હિન્દુ-મુસ્લિમ જનતાએ કોમી એકતાનો ઉત્તમ પરચો આપ્યો હતો. ઇમામ હુસૈનની મહોબ્બતમાં અનેક હિન્દુ ભાઈઓએ પણ સબીલ અને નિયાઝનું આયોજન કર્યું હતું. જેમાં રાધેશ્યામ ગ્રુપ દ્વારા ચાની સબીલ અને દરબાર ફળીયા દ્વારા પણ ખાસ સબીલ બનાવવામાં આવી હતી. હિન્દુ-મુસ્લિમ પરિવારોએ સાથે મળીને ઝુલુસમાં જોડાનારા દર્શનાર્થીઓ માટે પાણી અને મીઠા શરબતની વ્યવસ્થા કરી હતી.શહેરમાં કુલ 11 તાજિયાઓનું ઝુલુસ નેહરુ ગેઇટથી શરૂ થઈને દરબારગઢ સુધીના રૂટ પર ફર્યું હતું. દરબારગઢ ખાતે હિન્દુ-મુસ્લિમ આગેવાનોની હાજરીમાં આ ઝુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો દ્વારા ખાસ દુઆ માંગવામાં આવી હતી કે મોરબી સહિત સમગ્ર હિન્દુસ્તાનમાં અમન, શાંતિ, સલામતી અને ભાઈચારો હંમેશા જળવાઈ રહે.#Morbi #MorbiUpdate #Muharram #TaziaJulus #CommunalHarmony #HinduMuslimUnity #MorbiNews #YomeAshura