ભ્રષ્ટાચારના વિરોધમાં લડત ચલાવતા સાયકલ સવાર વાંકાનેરના મહેમાન બન્યા : તેમની આધુનિક સાઇકલમાં બેટરી ઓપરેટેડ સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ, ડિજિટલ લાઈટ, પંખો અને ચોરોથી રક્ષણ માટે સેન્સર વાંકાનેર : મૂળ જોધપુર (રાજસ્થાન)ના વતની હાલ રાજકોટ રહેતાં દીપકભાઈ રાઠોડ દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાના શુભ સંકલ્પ સાથે લોકોમાં જાગૃતતા આવે અને તેમનો ફરવાનો શોખ પૂરો થાય એ માટે છેલ્લા નવ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં સાયકલ યાત્રા કરી રહ્યા છે. વર્ષ દરમિયાન બેથી ત્રણ મહિના દેશના જુદા જુદા વિસ્તારોમાં ફરી ભ્રષ્ટાચાર નાબૂદી માટે લોક જાગૃતિનું અભિયાન ચલાવી રહ્યા છે. હાલ દીપકભાઈ પોતાના ત્રણ મહિનાનો પ્રવાસ પૂર્ણતા તરફ પ્રયાણ કરી આજે વાંકાનેર ગાયત્રી મંદિર ખાતે તેઓના પ્રવાસના અંતિમ વિસામો લઈ રહ્યા છે આવતીકાલે રાજકોટ ખાતે તેઓની આ વર્ષની સાઇકલ યાત્રાનો અંત કરશે. દીપકભાઈ દ્વારા નારાયણ સરોવર, કોટેશ્વર, મોમાઈમોરા, બહુચરાજી, સૂર્યમંદિર મોઢેરા, અંબાજી, ચોટીલા, ગોંડલ, જુનાગઢ, સોમનાથ, હર્ષદમાતા, દ્વારકા, માતાનામઢ, રામદેવડા, પુષ્કર અને જયપુર સુધીની યાત્રા કરી ચુક્યા છે. અગાઉ તેઓ નેપાળ સુધી આ સાયકલ યાત્રા કરેલ છે. તેમની સાઇકલ એકદમ લક્ઝરિયસ બનાવવામાં આવી છે અને અંદાજે એક લાખનો ખર્ચ સાઇકલમાં કરેલ છે. આ આધુનિક સાઇકલમાં સીસીટીવી કેમેરા, મોબાઈલ ચાર્જિંગ, ડીજીટલ લાઈટ, સાઈટ લાઈટ, બ્રેક મ્યુઝિક, ટેપ, પંખો અને રસ્તામાં ચોરીથી રક્ષણ માટે સેન્સર પણ ફીટ કરાવેલ છે અને આ આધુનિકતા માટે ચાર્જેબલ બેટરી વડે તેની પાવર સપ્લાય મળી રહ્યો છે સાથોસાથ હેન્ડલ પર માતાજીના ફોટા સાથેનું સુંદર મંદિર પણ રાખેલ છે. દીપકભાઈ રાઠોડ ડ્રાઇવિંગ અને ચોકીદાર ની નોકરી કરી ઘરનું ગુજરાન ચલાવે છે. વર્ષ ૧૯૯૬માં બે દીકરીઓની જવાબદારી સોંપી તેમના પત્ની જયાબેન પરલોક ચાલ્યા ગયેલ. બંને દીકરીઓને સાસરે વળાવ્યા બાદ પોતાનો ફરવાનો શોખ પૂરો કરવા તેમને લોકોની નાની મોટી મદદ લઇ આ આધુનિક સાઇકલ બનાવી અને પોતે અલગ અલગ જગ્યાએ ફરવા માટે આ સાયકલના સથવારે દર વર્ષે અલગ-અલગ રૂટ પર ફરવા નીકળી પડે છે સાથોસાથ દરેક વિસ્તારમાં લોકોને ભ્રષ્ટાચાર નાબૂદી માટે લોકજાગૃતિનો જુવાળ પેદા કરે છે અને ભ્રષ્ટાચારની પોલ ખોલવા 1064 પર સંપર્ક કરવા લોકોને જણાવે છે. મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en