ખેડુતોએ કપાસ કિશાન એપ અથવા કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન તથા સ્લોટ બુકિંગ કરાવવું ફરજિયાતમોરબી : મોરબીમાં ગીતા જીનિંગ ખાતે ભારતીય કપાસ નિગમ લિમિટેડ (CCI) દ્વારા વર્ષ 2025-26ની કપાસની સિઝન માટે ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. કપાસની નવી સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ છે. જે અંતર્ગત મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રી ખાતે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલી રહી છે.કેન્દ્રીય વસ્ત્ર મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવ (MSP) અનુસાર શંકર-6 જાતના વ્યાજબી સરેરાશ ગુણવત્તાવાળા કપાસનો ભાવ રૂ.1612 પ્રતિ મણ નક્કી કરવામાં આવ્યો છે. આ ગુણવત્તામાં તારની લંબાઈ 27.5 થી 29.0 મીમી, માઈક્રોનેયર વેલ્યુ 3.6 થી 4.8 તથા મહત્તમ ભેજનું પ્રમાણ 8 ટકા રાખવામાં આવ્યું છે. ખેડૂતોએ કપાસ વેચાણ પહેલાં કપાસ કિશાન એપ અથવા કેન્દ્ર પરથી રજિસ્ટ્રેશન તથા સ્લોટ બુકિંગ કરાવવું ફરજિયાત છે. જે માટે આધાર કાર્ડ, 7/12, 8-અ અને વાવેતરનો દાખલો જરૂરી છે. ચુકવણી આધાર લિંક્ડ બેંક ખાતામાં PFMS દ્વારા સીધી જમા થશે, તેથી આધાર સાથે મોબાઇલ નંબર લિંક હોવો જરૂરી છે. 8%થી વધુ ભેજવાળો કપાસ ટકાવારી મુજબ કપાત સાથે ખરીદાશે, જ્યારે 12%થી વધુ ભેજવાળો કપાસ ખરીદવામાં નહીં આવે.પૂછપરછ માટે મો.7600059000