મોરબી : મોરબીમાં ગીતા જીનિંગ ખાતે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. જેમાં ખેડૂતો ફોન ઉપર નોંધણી કરાવી સીધા જ વેચાણ માટે આવી શકે છે. કોટન કોર્પોરેશન ઓફ્ ઈન્ડિયા (CCI) દેશમાં કપાસ માટે લઘુત્તમ ટેકાના ભાવથી ખરીદીની કામગીરી કરવા માટે કેન્દ્રીય નોડલ એજન્સી છે. કપાસની નવી સિઝનને ધ્યાનમાં રાખીને રાજ્યભરમાં ટેકાના ભાવે કપાસની ખરીદી શરૂ થઈ છે. જે અંતર્ગત મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ગીતા જીનિંગ એન્ડ ઓઇલ ઇન્ડસ્ટ્રી ખાતે CCI દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદી ચાલી રહી છે. જેમાં એક મણના 1494 રૂ. લેખે કપાસની ખરીદી ચાલુ છે. ખેડૂતોએ અહીં આધારકાર્ડ, 7/12, 8-અ, પંચાયતનો વાવેતરનો દાખલો સાથે લાવવાનો રહેશે. ફોટો પાડવાનો હોવાથી ખેડૂતોએ સાથે આવવાનું રહેશે. આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ ઉપર ઓટીપી આવશે એટલે મોબાઈલ સાથે લાવવાનો રહેશે. પેમેન્ટ આધાર કાર્ડ સાથે લિંક હશે તે બેન્ક ખાતામાં સરકારમાંથી આવશે. ખેડૂતોને મો.નં.7600048000 ઉપર ફોન કરી વધુ વિગત મેળવવા યાદીમાં જણાવાયું છે.