છેલ્લા આઠ વર્ષથી ખરીદીનું કાર્ય બંધ હતું : એક મણના ૧૧૫૫નો ભાવ હળવદ: હળવદ માર્કેટ યાર્ડમાં આજથી સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી નો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આજે પ્રથમ દિવસે મુહૂર્તમાં પાંચ ખેડૂતો કપાસ વેચવા માટે આવ્યા હતા. હળવદમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદવાનું કેન્દ્ર છેલ્લા આઠેક વર્ષથી બંધ હતું. જેની માર્કેટ યાર્ડ દ્વારા રજૂઆતો કર્યા બાદ આજે ફરી સી.સી.આઈ. દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં એક મણનો ભાવ ૧૧૫૫નો નક્કી કરવામાં આવ્યો છે. સાથે જ અહીં ખેડૂતો સોમથી શુક્ર સવારે ૯થી ૧૧ વાગ્યા સુધી પોતાનો કપાસ વેચવા માટે આવી શકશે. ચેરમેન રણછોડભાઈની અનેક રજૂઆતો બાદ સી.સી.આઈ કેન્દ્ર ચાલુ થયું માર્કેટ યાર્ડમાં સીસીઆઇ દ્વારા કપાસ ખરીદી કેન્દ્ર બંધ હોય જે ચાલુ કરવા માટે યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલ દ્વારા અનેક વખત રાજ્ય સરકારમાં રજૂઆતો કરવામાં આવી હતી. આ રજૂઆતો અસરકારક નીવડી અને આજથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ થયો છે. એકાદ મહિનો મોડું થયું પરંતુ ચાલુ થયું તે ખેડૂતોના હિતમાં છે : વિઠ્ઠલભાઈ દલવાડી માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન વિઠ્ઠલભાઈ દલવાડીએ જણાવ્યું હતું કે સીસીઆઇ દ્વારા એકાદ મહિનો વહેલો કપાસ ખરીદવાનુ ચાલુ કર્યું હોત તો તાલુકાના વધુ ખેડૂતોને લાભ મળી શકે પરંતુ મોડું તો મોડું ચાલુ થયું તે ખેડૂતોના હિતમાં જ છે આવતા વર્ષે કપાસનુ કેન્દ્ર વહેલું ચાલુ થાય તેવા પ્રયત્નો કરીશું. સીસીઆઈ કેન્દ્ર પર કપાસ વેચવા આવો ત્યારે આટલું જરૂર સાથે લાવો હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે આજથી સીસીઆઈ દ્વારા કપાસ ખરીદીનો પ્રારંભ કર્યો છે. જેમા કપાસ વેચવા માટે આવતા ખેડૂતોએ બે-આધાર કાર્ડની નકલ, બે-બેંક પાસબુકની નકલ અને સાત-બારની નકલ ફરજિયાત સાથે લાવવાની રહેશે તેમ જણાવ્યું હતું.