મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં બનેલી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પંચવંટી સોસાયટીના એક મકાનમાં ધોળે દહાડે ભંગારના બહાને ઘૂસીને બે મહિલાઓ પાણીના ટાંકાનું ઢાંકણું અને પાણી ખેંચવાની ઇલે.મોટર ઉઠાવી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. જો કે બપોરે ઘરના સભ્યો સુતા હોય તે દરમિયાન મહિલાઓએ ચુપકે ચુપકે દરવાજો ખોલીને આ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આ ચોરીની ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પંચવટી સોસાયટીમાં શ્યામ લખેલા મકાનમાં રહેતા ધરમશીભાઈ મોહનભાઇ રાણીપાના મકાનમાં બપોરના અઢીથી ત્રણ વાગ્યાની આસપાસ ચોરીની ઘટના બની હતી. આ અંગે તેમના ભાઈએ જણાવ્યું હતું કે, સોસાયટીમાં બપોરના સમયે ઘરના મહિલાઓ વિરામ કરતા હોય છે. આથી ઘરની બહાર કોઈ હોતું નથી.એ દરમિયાન આ સોસાયટીમાં ભંગારનો કચરો વિણતી બે મહિલાઓ એક બાળક સાથે આવી હતી અને મહિલાઓએ ધરમશીભાઈ મોહનભાઇ રાણીપાના મકાનનો દરવાજો ખોલીને ફળિયામાં રહેલા પાણીના ટાંકાનું ઢાંકણું અને પાણી ખેંચવાની મોટરની ચોરી કરી ગઈ હતી. આ સમગ્ર ચોરીની ઘટના સામેના મકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જો કે આ મહિલાઓ આ સોસાયટીના અન્ય ત્રણ ચાર મકાનોમાં પણ ખાખાખોળા કર્યા હતા. પણ મકાનના દરવાજા ન ખુલતા કઈ હાથ લાગ્યું ન હતું. ભંગાર વિણવાના કે રોટલા માંગવાના બહાને આ મહિલાઓ ઘરમાં ઘૂસીને તક મળતા ચોરી કરે છે. અગાઉ પણ આ સોસાયટીના એક મકાનમાં આવી રીતે ચોરી કરી હતી. તેથી ભંગાર વિણવાના કે રોટલા માંગવાના બહાને આ મહિલાઓએ ચોરી કર્યાનું સીસીટીવી ફુટેજમાં બહાર આવતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને પોલીસ આ બનાવમાં યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠાવી છે. મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર.. આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..