મોરબીના હળવદ રોડ ઉપર આવેલી ટાયર ટ્યુબની દુકાને પાંચ દિવસ પહેલા બનેલા બનાવમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના હળવદ રોડ ઉપર ટાયર-ટ્યુબની દુકાનમાંથી અજાણી યુવતીએ વેપારીની નજર ચુકવી 3.30 લાખ રૂપિયા રોકડા ભરેલો થેલો લઈ છનનન થઇ જતા પાંચેક દિવસ પૂર્વેની આ ઘટનામાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ ઉપર પટેલ ટાયર હબ નામની દુકાન ધરાવતા જેનીલભાઈ અશ્વિનભાઈ આદ્રોજા શનાળા રોડ, રૂદ્રાભિષેક એપાર્ટમેન્ટ નામના વેપારીએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેરર કર્યું હતું કે, ગત તા.20 ઓગસ્ટના રોજ બપોરના સમયે તેઓ ટાયર ગોઠવતા હતા ત્યારે એક અજાણી યુવતી આવી હતી અને દુકાનના ટેબલ ઉપર પડેલા રોકડ રકમનો થેલો લઈ નાસી ગઈ હતી. વધુમાં આ થેલામાં રોકડા રૂપિયા 3.30 લાખ હોવાનું તેઓએ જાહેર કરતા સીટી બી ડિવિઝન પોલીસે ચોરીની આ ઘટના અંગે ગુન્હો નોંધી તપાસની ધમધમાટ શરૂ કર્યો છે.