પાલિકાના ભંગાર વાહનોના શોરૂમ જેવી બની ગયેલી શેરીમાં દરરોજ બે - ચાર વ્યક્તિઓ ડાઘીયાઓનો શિકાર બને છે મોરબી : મોરબી નગરપાલિકાના ફાયરબ્રિગેડ વાળી સુધારા શેરીમાં ડાઘીયા કૂતરાઓનો આંતક દિવસે - દિવસે વધી રહ્યો છે, સુધારા શેરીમાં પાલિકાના ભંગાર વાહનોની ઓથમાં પળ્યાં પાથર્યા રહેતા અને માનવ લોહીનો સ્વાદ ચાખી જનરા આ ડાઘીયા કુતરા દરરોજ અહીં બે - ચાર જણાને બચકા ભરી લેતા હોય સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઇ રહ્યા છે. મોરબી શહેરની સુધારા શેરી તરીકે ઓળખાતી શેરી કોઈ દિવસ સુધરી નથી અને કુબેર પ્રાથમિક શાળા અને એક સમાજની વાડી આવેલી હોય દરરોજ અનેક લોકોની અવરજવર રહે છે પરંતુ મોરબી પાલિકાએ આ શેરીને ભંગારવાડામાં ફેરવી નાખી છે. સુધારા શેરીમાં મોરબી નગરપાલિકાના મોટાભાગના કંડમ વાહનોનો ખડકલો હોવા ઉપરાંત આ શેરી જાહેર પાર્કિંગ હોય તેમ લોકો અહીં જ વાહનો મૂકી ચાલ્યા જતા હોય શાળાએ આવતા જતા બાળકોને અને વાલીઓને અવર-જ્વર કરવામાં મુશ્કેલી પાડવાની સાથે અહીં રહેતા લોકોને તો અહીં રહેવું જ મુશ્કેલ બન્યું છે એવામાં આ સુધારા શેરીમાં ઘર કરી ગયેલા ડાઘીયા કુતરાનો આંતક ભયનો માહોલ પેદા કરી રહ્યો છે. સુધારા શેરીમાં રહેતા વિહારભાઇ જોશીએ ડાઘીયા કુતરાઓના આંતક અંગેના સીસીટીવી ફૂટેજ મોકલવાની સાથે જણાવ્યું હતું કે, અહીં દરરોજ શાળાએ આવતા બાળકો અને વાલીઓ ભયભીત બનીને પસાર થાય છે, સુધારા શેરીમાં ઘર કરી ગયેલા કુતરાઓ એટલા ખતરનાક છે કે, ગમે ત્યારે અચાનક હુમલો કરી કોઈપણ વ્યકિતને બચકા ભરી જાય છે, જેથી નગરપાલિકા સત્વરે પોતાના ભંગાર વાહનો અહીંથી હટાવી લોકોને કરડતા કુતરાઓના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ ઉઠાવી હતી.