મહાપાલિકાએ સાત મહિનામાં 1500 ઢોર પકડી ડબ્બે પૂર્યામોરબી : મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ રસ્તે રઝળતા ઢોરનો ત્રાસ નિવારવા માટે કોન્ટ્રાકરને ભરોસે રહેવાને બદલે મહાનગર પાલિકાએ પોતાની ખુદની ટીમોને મેદાને ઉતારી દિવસ-રાત ઢોર પકડવાની કામગીરી કરી સાત મહિનામાં 1500 જેટલા ઢોર પકડયા બાદ છેલ્લા એક મહિનાથી ઢોર પકડવાની કામગીરી બંધ કરી દેતા ફરી શહેરમાં આખલા યુદ્ધના દ્રશ્યો સામાન્ય બન્યા છે. બીજી તરફ રસ્તા પરથી પકડવામાં આવેલ ઢોર સાચવવા માટે કોઈ પાંજરાપોળ કે, ગૌશાળા તૈયાર ન હોવાથી હાલમાં ઢોર પકડવાની કામગીરી બંધ હોવાનું કોર્પરેશને સત્તાવાર રીતે જાહેર કર્યું છે.મોરબી શહેરમાં વર્ષોથી ભૂગર્ભ ગટર, રોડ રસ્તા, ટ્રાફિક સમસ્યા અને ગંદકીની સમસ્યા મુખ્ય છે જેમાં મહાપાલિકાનો દરજ્જો મળ્યા બાદ મહાનગર પાલિકા દ્વારા દબાણો હટાવી રસ્તા ખુલ્લા કરવાની સાથે નવા રસ્તા બનાવી મુખ્ય સમસ્યાઓ નિવારવા પગલાં ભરવાનું શરૂ કર્યું છે. રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરીમાં પણ મહાનગર પાલિકાએ પોતાની ટીમોને મેદાને ઉતારી છેલ્લા સાત મહિનામાં અંદાજે 1500 જેટલા ઢોર પકડી અલગ અલગ ગૌશાળા અને પાંજરાપોળમાં મોકલી આપ્યા છે. જો કે, હાલમાં મોરબી શહેરની આજુબાજુ વિસ્તારમાં આવેલ તમામ ગૌશાળા અને પાંજરાપોળની કેપેસિટી પૂર્ણ થઈ જતા કોર્પોરેશને હવે ઢોર પકડવાનું જ બંધ કર્યું છે.વોર્ડ નંબર - 2માં રખડતા ઢોર અને શ્વાન પ્રશ્ને કોંગ્રેસની રજુઆત મોરબી શહેરના વોર્ડ નંબર-2માં આવેલ વીસીપરા, મદીના સોસાયટી, સુમરા સોસાયટી, કુલ્લી નગર-1, ફુલછાબ સોસાયટી, કુલ્લી નગર-2, વિજય નગર, રણછોડ નગર, નિધિ પાર્ક સોસાયટી, રોહીદાસ પરા, મિલની ચાલી વિસ્તાર અને સરકારી વાડી સહિતના વિસ્તારમાં રખડતા ઢોર અને શ્વાનનો અનહદ ત્રાસ હોય તાલુકા કોંગ્રેસ પ્રમુખ સલીમભાઈ કરીમભાઈ ભટ્ટીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે.કોર્પોરેશને પકડેલા ઢોર રાખવા વ્યવસ્થા કરાશે : કમિશનરમોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, હાલમાં મહાનગર પાલિકા દ્વારા પકડવામાં આવતા ઢોરને જ્યાં જ્યાં મુકવામાં આવે છે તે તમામ ગૌશાળા અને પાંજરાપોળની પશુઓને રાખવાની ક્ષમતા પૂર્ણ થઇ હોય થોડો સમય માટે ઢોર પકડવાની કામગીરી બંધ કરવામાં આવી છે. સાથે જ મહાપાલિકા દ્વારા પકડવામાં આવતા પશુઓને રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેની ટેન્ડર પ્રક્રિયા ચાલુ હોવાનું તેમને ઉમેર્યું હતું.