રખડતાં ઢોર પકડવા ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થતાં શુક્રવારથી રાઉન્ડ ધ કલોક કામગીરી થશે : કલેક્ટરનો કડક આદેશમોરબી : મોરબી શહેરમાં રખડતાં ઢોરનો પ્રશ્ન કાયમી બન્યો છે ત્યારે ગઈકાલે પાલિકાએ બે ભેંસને ડબ્બે પુરી છ હજારનો દંડ વસુલ્યો હતો. આજે મોરબી પાલિકામા મુકામ કરી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, શુક્રવારથી મોરબી શહેરમાં રખડતાં ઢોર તંત્ર દ્વારા પકડીને પૂરવાની કામગીરી જોરશોરથી શરૂ કરવામાં આવશે.મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ મોરબી પાલિકા ખાતે કેમ્પ દરમિયાન જણાવ્યું હતું કે, મોરબીમાં ક્યાંય પણ ગટરના ઢાંકણા ખુલ્લા ન રહી જાય, લાઈટ બંધ ન રહે તે અંગે અધિકારીઓ-કર્મચારીઓને સૂચના આપી દીધી છે. ગટર ઉભરાતી હોય તે અંગે પણ કામગીરી કરવા અધિકારીઓ-કર્મચારીઓને વધારે સમય ફાળવીને કામ કરવા જણાવ્યું છે. અને દરરોજની કામગીરીનો રિપોર્ટ કલેક્ટરને પહોંચાડવા જણાવ્યું છે.વધુમાં મોરબીમાં રોડ પર રખડતાં પશુઓ મામલે પણ ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. ગઈકાલે જે પશુઓ રોડ પર રખડતાં હતા તેના માલીકોને દંડ ફટકારવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે. મોરબીમાં ગંદકીનો પ્રશ્ન દૂર કરવા માટે આગામી સમયમાં સાધનો ખરીદવામાં આવશે અને તે પ્રશ્ન પણ હલ કરવામાં આવશે.દરમિયાન મોરબી પાલિકાને ઈન્ચાર્જ ચીફ ઓફિસર ડોબરીયાએ જણાવ્યું હતું કે ગઈકાલે બેઠા પુલ પાસેથી ખાનગી વ્યક્તિની બે ભેંસ ડબ્બે પુરવામાં આવી હતી અને રૂપિયા 6000નો દંડ ફટકારી વસુલાત કરવામાં આવી હતી. સાથે જ પાલિકા દ્વારા મોરબી શહેરમાં પશુ ધરાવતા માલિકોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે ખાનગી ઢોર પકડાશે તો પહેલી વખત 3000 અને બીજી વાર એ જ ઢોર પકડાશે તો 5000 નો દંડ ફટકારવામાં આવશે.