લોકો ઢીંકે જ ચડે ને ! મહાનગર પાલિકાએ 1500 ઢોર પકડયા,તોયે શહેરમાં હજુ ફરે છે 1500 ઢોરમોરબી : મોરબી શહેરમાં શ્રાવણ માસ અને ચોમાસાના કારણે મહાનગર પાલિકા દ્વારા બંધ કરવામાં આવેલ ઢોર પકડવાની કામગીરી ફરી પુરજોશમાં શરૂ કરવામાં આવી છે. શહેરમાં રસ્તે રઝળતા પશુઓનો ઉપદ્રવ ફરી વધ્યો હોવાથી મહાનગર પાલિકાએ પાંચ દિવસથી ઢોર પકડવાનું શરૂ કરી 100 જેટલા પશુઓને પકડી પાંજરાપોળ મોકલી આપ્યા છે. નોંધનીય છે કે, શહેરમાં અગાઉ ઝુંબેશરૂપે કામગીરી કરી 1500 પશુઓ પકડવામાં આવ્યા હતા. જો કે, હજુ પણ શહેરમાં 1500 જેટલા પશુઓ હોય દિવસ-રાત રસ્તે રઝળતા પશુઓ પકડવા કાર્યવાહી કરવામાં આવશે તેવો તંત્રે દાવો કર્યો છે.મોરબી શહેરને મહાનગર પાલિકાનો દરજ્જો મળ્યા બાદ શહેરમાં રસ્તે રઝળતા પશુઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ માટે મહાનગર પાલિકા દ્વારા પોતાના જ કર્મચારીઓની ટિમ મારફતે શહેરમાંથી 1500 જેટલા પશુઓ પકડી નજીકની ગૌશાળામાં મુકવામાં આવ્યા હતા. જો કે, પાંજરાપોળ અને ગૌશાળાઓમાં પશુ મુકવાની જગ્યાના અભાવે મહાનગર પાળીકાએ શ્રાવણમાસ અને ચોમાસામાં આ કામગીરી બંધ કરી દીધી હતી. જો કે, ચોમાસુ પૂર્ણ થતા જ ફરી મહાનગર પાલિકા દ્વારા બે શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.મહાનગર પાલિકાના પશુ વિભાગના અધિકારી નિમેષ ખાંભરાએ જણાવ્યું હતું કે, મોરબી શહેરમાં અત્યાર સુધીમાં 1500 માલિકીના તેમજ ન ધણિયાતા ઢોર પકડવામાં આવ્યા હતા. શહેરને પશુમુક્ત બનાવવા હાલમાં બે શિફ્ટમાં ઢોર પકડવાનું શરૂ કરી પાંચ દિવસમાં 100 ઢોર પકડયા હોવાનું તેમને જણાવ્યું હતું.નંદીઘર લોકભાગીદારીથી શરૂ કરાશે : ટેન્ડર પ્રસિદ્ધમોરબી મહાનગર પાલિકાના પશુ વિભાગના અધિકારી નિમેષ ખાંભરાએ જણાવ્યું હતું કે, શહેરમાંથી પકડાતા પશુઓને સુરક્ષિત રાખવા પંચાસર રોડ ઉપર આવેલ નંદીઘર પુનઃ શરૂ કરવામાં આવશે. હવે નંદીઘરને લોકભાગીદારીથી શરૂ કરવામાં આવશે જે માટે ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.આરએફઆઈડી ચિપ લગાવવાની કામગીરી પણ ચાલુમોરબી શહેરમાં રસ્તે રખડતા પશુઓને ઓળખવા માટે મહાનગર પાલિકા દ્વારા આરએફઆઈડી લગાવવાની કામગીરી ચાલુ છે. જેમાં આરએફઆઈડી ચિપ લગાવેલ પશુ કોની માલિકીનું છે, આ પશુ ક્યાં ક્યાં ફરી રહ્યું છે તેની પણ જાણકારી આ ચીપથી મળી જતી હોય છે. અત્યાર સુધીમાં મહાનગર પાલિકાએ 410 આરએફઆઈડી ચિપ લગાવી છે જેમાંથી 250 જેટલા માલિકી પશુઓને આરએફઆઈડી ચિપ લગાવી હોવાનું મહાનગર પાલિકાએ સત્તાવાર જાહેર કર્યું હતું.