ધરમપુર નશાખોર શખ્સને માર મારવા અને હત્યા પ્રકરણમાં આઠ આરોપી ઝડપી લેવાયા તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી, હજુ એક આરોપી ફરાર મોરબી : મોરબીના ધરમપુર ગામે બે શખ્સોએ નશાની હાલતમાં ડીંગલ કરી નાના એવા ગામને માથે લઈ કરિયાણાની દુકાન બંધ કરાવી બાદમાં મહિલાને માર મારતા એકત્રિત થયેલા ગ્રામજનોના ટોળાએ બન્ને શખ્સોને મેથીપાક આપતા એક શખ્સનું સારવાર દરમિયાન મોત નિપજ્તા આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ બનાવમાં તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને ગણતરીની કલાકોમાં જ હત્યાના ગુનામાં આઠ આરોપીઓને ઝડપી લીધા હતા. જોકે હજુ એક આરોપી ફરાર હોય તેને પણ ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગામની મહિલાઓ તાલુકા પોલીસ મથકે ઉમટ્યા હતા અને આ ગુન્હામાં અમને પકડી લો આ બધાને છોડી મુકો. તેવી રજુઆત કરી હોવાનું જાણવા મળે છે. મોરબીના ધરમપુર ગામે રહેતા ભરતભાઈ રામજીભાઈ કોળી અને જગદીશભાઈ દુદાભાઇ ઠાકોર રવિવારે બપોરના સમયે દારૂના નશામાં ધમાલ મચાવી હતી. અને કરિયાણાની દુકાન બંધ કરાવી ગામની મહિલાઓને પણ માર માર્યો હતો. આથી, આ મામલો તંગ બનતા કેટલાક શખ્સોના ટોળાએ આ બન્ને શખ્સોને માર માર્યો હતો. તેથી બન્નેને ઇજા થવાથી બંને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં હોસ્પિટલના સ્ટાફ સાથે પણ ભરત કોળીએ બાબલ કરી હતી. આથી પોલીસ સ્ટાફ ભરતને હોસ્પિટલેથી પોલીસ સ્ટેશનને લાવ્યા બાદ તેની તબિયત લથડતાં તેને ફરીથી હોસ્પિટલે સારવાર દરમિયાન ભરત રામજીભાઈ પરમારનું મોત નીપજ્યું હતું. અને મામલો હત્યામાં પલટાયો હતો. આ હત્યા બનાવ અંગે મૃતકના પત્નીએ નવેક શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવી હતી. આથી હત્યાના બનાવની ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી તાલુકા પીઆઇ ગોઢાણિયા અને તેમની તપાસ ચલાવીને ગણતરીની કલાકોમાં આરોપીઓ જાદવભાઈ ઉર્ફે જાદાભાઈ લધુભાઈ વડેચા (ઉ.વ ૩૫), બેચરભાઈ ગોવિંદભાઈ રાવા (ઉ.વ.૩૩), શૈલેશભાઈ ઉર્ફે સલિયો હકાભાઈ રાવા (ઉ.વ. ૨૯), મહીપતભાઈ ઉર્ફે મયલો માધુભાઈ ઉપસરીયા (ઉ.વ ૩૬), સંજયભાઈ ઉર્ફે સંજલો માધુભાઈ ઉપદરીયા (ઉ.વ .૩૦), બળદેવભાઈ ઉર્ફે બળીયો રવજીભાઈ ઉપસરીયા (ઉ.વ ૨૫), શિવાભાઈ કાનજીભાઈ દારોરા (ઉ.વ. ૩૫) અને રમેશભાઈ ઉર્ફે બાબો શિવાભાઈ દારોરા (ઉ.વ ૩૩) ને ઝડપી લીધા હતા. હજુ ફરાર રહેલા એક આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગે બન્ને શખ્સોને માર મરનાર ટોળા વતી અગાઉ ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામીએ મોરબી તાલુકા મથકે મૃતક સહિત બન્ને શખ્સો સામે તેમની પ્રગતિ જનરલ સ્ટોર એન્ડ પાન નામની દુકાન બંધ કરવા માટે ધમાલ મચાવી માર મર્યાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ધરમપુર ગામના આઠેક મહિલાઓ પોલીસ સ્ટેશનની બહાર બેઠા છે. અને આ મહિલાઓ પોલીસને કહે છે. જે આરોપી પકડયા છે એમને છોડી દો અને અમને પકડી લો. તેવી રજુઆત કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.