સ્થાનિકોએ ફાયર બ્રિગેડ આવે તે પહેલા જ આગ પર કાબુ મેળવ્યોમોરબી : આજે મોરબીના રવાપર-ધુનડા રોડ પર શક્તિ ટાઉનશિપ-2માં આવેલી નંદનવન હાઈટ્સમાં છઠ્ઠા માળે આગ લાગી હતી. નંદનવન હાઈટ્સમાં આવેલા છઠ્ઠા માળે દિલીપભાઈ કાલાવાડિયાના ફ્લેટમાં આગ લાગી હતી. ફ્લેટના રસોડામાં કોઈ કારણોસર આગ લાગી હતી. જો કે બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો હોય સ્થાનિકોએ ફાયર સેફ્ટીના સાધનો વડે પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. આગ લાગ્યાની જાણકારી મળતાં જ એપાર્ટમેન્ટમાંથી લોકો નીચે ઉતરી ગયા હતા. આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેના કારણે આગ વધુ પ્રસરી નહતી અને કોઈ મોટી જાનહાનિ થઈ નહતી.આ અંગે સ્થાનિક અશ્વિનભાઈ અગોલાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફ્લેટમાં રસોઈ કરતી વખતે ચીમનીમાં આગ લાગી હતી. આગ લાગતાં જ સ્થાનિક લોકોએ મળીને જ ફ્લેટમાં રહેલી ફાયર સેફ્ટીની સિસ્ટમથી જ આગને કાબુમાં લઈ લીધી હતી. ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી પરંતુ ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલા જ સ્થાનિક ફાયર સિસ્ટમની મદદથી આગ પર કાબુ મેળવી લેવાયો હતો.