પત્ની સાથે મનદુઃખ થતા પ્રેમીકા સાથે રહેતા પિતાએ બાળક કાંઈ ખાતું-પીતું ન હોવાથી બ્રાહ્મણી નદીના કાંઠે રઝળતું મુકી દીધું, પોલીસે આરોપી પિતા સામે ગુનો નોંધી ધરપકડ કરીહળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામના સ્મશાન પાસેથી ગત 2 મેના રોજ એક 8 માસના બાળકની લાશ મળી આવી હતી. હળવદ પોલીસે આ અકસ્માત મોતના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો છે. તપાસમાં ખૂલ્યું છે કે બાળકના સગા પિતાએ જ તેને રઝળતું મુકી દીધું હતું. પોલીસે નિર્દયી પિતાની અટકાયત કરી તેની સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. ગત તારીખ 02/05/2026 ના રોજ હળવદ પોલીસ મથકમાં અકસ્માત મોત નોંધાયું હતું. સુસવાવ ગામના સ્મશાન પાસેથી અજાણ્યું બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. પોલીસે તેનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખી વાલીવારસની શોધખોળ કરવા પ્રેસ મીડિયાનો સહારો લીધો હતો. પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે બાતમીના આધારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, આ બાળકના પિતા હાલ હળવદના રાયસંગપર ગામની સીમમાં વાસુદેવભાઈ દલવાડીની વાડીએ રહી મજૂરી કામ કરે છે. પોલીસે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ભુવેરો ગામના વતની અને હાલ રાયસંગપર સીમમાં રહેતા ભયલુ તેરસીંગ બામણીયાની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલાત આપી હતી કે, મૃત બાળક તેનો 8 માસનો દીકરો નવશીક છે. તે પોતાની પત્ની રંગા સાથે મનભેદ થતાં બીજી એક યુવતી (પ્રેમિકા) ને ભગાડી લાવ્યો હતો અને અહીં મજૂરી કરતો હતો. બાળક નવશીક કાંઈ ખાતો-પીતો ન હોવાથી, તેણે પોતાની પ્રેમિકા અને વાડી માલિકને એવું ખોટું કહ્યું હતું કે તે બાળકને તેના મામાના ઘરે મૂકી આવવા જાય છે. જોકે, તેણે બાળકને સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી નદીના કાંઠે રઝળતું તરછોડી દીધું હતું. પોતાના 8 માસના માસૂમ બાળકને અરક્ષિત રીતે ત્યજી દઈ તેના મોતનું કારણ બનનાર આરોપી પિતા ભયલુ તેરસીંગ બામણીયા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-105 અને 93 મુજબ સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસની વધુ તપાસમાં એ ચોંકાવનારી વિગત પણ સામે આવી છે કે આરોપી અગાઉ પોતાની પત્ની સહિત ચાર છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી ભગાડી લાવ્યો છે. #Morbi #Halvad #MorbiPolice #CrimeNews #GujaratPolice #MorbiUpdate #MurderCase #HalvadPolice