રાજ્યની નવરચિત ૯ મહાનગરપાલિકાઓની એક દિવસીય કાર્યશાળા યોજતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી મહાનગરપાલિકાઓ નગર વિકાસનો રોડમેપ તૈયાર કરવા આહવાન, વિકાસ કામો માટે નાણાની તંગી ક્યારેય નહીં પડેમોરબી : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં તાજેતરમાં રચાયેલી ૯ મહાનગરપાલિકાના કમિશનર, વહીવટદાર તેમજ અન્ય અધિકારીઓની ગાંધીનગરમાં શનિવારે એક દિવસીય કાર્યશાળા યોજી સંબોધન કરી તમામ મહાનગરપાલિકાના સુકાનીઓને લોકોને દેખાય તેવા રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણી, બાગ-બગીચા અને લાઇટિંગ સહિતના કામો હાથ ધરવા સૂચના આપી હતી.સાથે જ મોરબી સહિતની તમામ નગરપાલિકાઓને વિકાસ માટે 20 -20 કરોડની ગ્રાન્ટ ફાળવણી અંગેની પણ જાહેરાત કરી હતી.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ઉમેર્યું કે, લોકોમાં હવે વિકાસ માટેની જાગૃતિ આવી છે. એટલું જ નહિં, તેમને આજના બદલાતા યુગમાં પબ્લિક ડિલિવરી અને સર્વિસીસ પણ અસરકારક રીતે જોઈએ છે. આ સંદર્ભમાં રાજ્ય સરકારે આયોજનબદ્ધ શહેરી વિકાસને વેગ આપવા નવી ૯ મહાનગરપાલિકાઓની રચના કરી છે.આ મહાનગરપાલિકાઓનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાં રૂપાંતરણ થયું છે એટલે આ ટ્રાન્ઝિશનલ સમયગાળા દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા-સુવિધાઓ યથાવત મળતી રહે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાસ હિમાયત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ હેતુસર નવી રચાયેલી મહાનગરપાલિકાઓની વહીવટી ક્ષમતા વૃદ્ધિ તેમજ રોજબરોજની વહીવટી કામગીરીમાં યોગ્ય માર્ગદર્શન અને મેનપાવર ટ્રેનિંગ માટે હાલની પાંચ મોટી મહાનગરપાલિકાઓને ૧ વર્ષ સુધી નવી મહાનગરપાલિકાઓના મેન્ટર તરીકે કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, અમદાવાદ મહાનગરપાલિકા નવરચિત નડિયાદ અને સુરેન્દ્રનગર મહાપાલિકા માટે, વડોદરા મહાનગરપાલિકા આણંદ મહાપાલિકા માટે, સુરત મહાનગરપાલિકા વાપી અને નવસારી માટે તથા રાજકોટ મહાનગરપાલિકા મોરબી અને ગાંધીધામ માટે તેમજ જામનગર મહાનગરપાલિકા પોરબંદર માટે અને ગાંધીનગર મહાનગરપાલિકા મહેસાણા માટે મેન્ટર તરીકે કાર્યરત રહેશે. સાથે જ મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાની રચના થયા બાદ નાગરિકોને સ્પષ્ટ દેખાઈ આવે તેવો બદલાવ રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ તથા બાગ-બગીચા જેવા સુવિધાકારી કામોથી હાથ ધરવાનું દાયિત્વ નવનિયુક્ત કમિશનરોએ નિભાવવાનું છે. તેમણે ઉમેર્યું કે નવી મહાનગરપાલિકાઓ પોતાના નગરોના વિકાસનો રોડ મેપ તૈયાર કરે. એટલું જ નહિં, વિકાસ કામો માટે નાણાંની જરૂરિયાત અંગે પણ રાજ્ય સરકારમાં રજૂઆત કરે. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકાસ કામો માટે નાણાંની કોઈ કમી ક્યારેય ન રહે તેવું નાણાં વ્યવસ્થાપન વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતે કરેલું છે. નવી રચાયેલી પ્રત્યેક મહાનગરપાલિકાઓને વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ સ્ટ્રેન્થનીંગ તથા અન્ય સુવિધાઓ માટે રૂ.10 કરોડ અને શહેરી સફાઈ સહિતના સિટી બ્યુટીફિકેશન કામો માટે રૂ.10 કરોડ મળીને કુલ 20 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી પણ આ તકે આપી હતી. તેમણે કહ્યું કે, આ મહાનગરપાલિકાઓમાં વિકાસ કામોની સ્પર્ધા થાય. એટલું જ નહિં, શહેરી જન સુખાકારી કામો માટે નાગરિકોની અપેક્ષા સંતોષાય તેવું વાણી-વર્તન-વ્યવહાર પણ નવી ટીમ પાસે અપેક્ષિત છે. આ એક દિવસીય કાર્યશાળામાં ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર જનરલ આઈ. પી. ગૌતમે શહેરોના ભવિષ્યલક્ષી આયોજન અને વિકાસ સંભાવનાઓ વિશે માર્ગદર્શક વ્યાખ્યાન આપ્યું હતું. શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિનીકુમારે આ કાર્યશાળાનો ઉદ્દેશ્ય સ્પષ્ટ કરતાં કહ્યું કે, રાજ્ય સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શહેરી વિકાસને ગતિ આપતા ત્વરિત નિર્ણયો કર્યા છે. ૯ મહાનગરપાલિકાઓની રચનાની જાહેરાત થયાના ગણતરીના સમયમાં જ મ્યુનિસિપલ કમિશનરો સહિત જરૂરી મેનપાવર ઉપલબ્ધ કરાવીને ફૂલ ફ્લેજ્ડ મહાપાલિકા ત્વરાએ કાર્યરત કરી છે. હવે, સ્થાપિત મહાનગરપાલિકાઓ દ્વારા નવી મહાનગરપાલિકાના હેન્ડ હોલ્ડિંગથી કેપેસિટી બિલ્ડીંગ પણ ઝડપથી થાય તેવું આયોજન કર્યું છે. કમિશનર મ્યુનિસિપાલિટીઝ એડ્મિનિસ્ટ્રેશન રાજકુમાર બેનીવાલે સ્વાગત પ્રવચનથી સૌને આવકાર્યા હતા.આ કાર્યશાળામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર, વહીવટદાર કલેક્ટર તેમજ અધિકારીઓ અને સ્થાપિત મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનર સહભાગી થયા હતા.