મોરબીના વતની ડૉ. કેયુર વોરા દ્વારા કાર્ડિયાક ઈમેજીંગ વિશે સરળ ભાષામાં સમજૂતી આજના સમયમાં હદયરોગથી ભાગ્યે જ કોઈ વ્યક્તિ અજાણ હશે. સામાન્ય રીતે, હૃદયરોગને હૃદયની ધમનીઓના બ્લૉકેજની બિમારી તરીકે સમજવામાં આવે છે. જે સૌથી વધુ વ્યાપક છે, પરંતુ એ ઉપરાંત હૃદયના સ્નાયુઓ, વાલ્વ, પડદા અને મહાધમનીને લગતાં રોગો પણ હદયરોગના પ્રકાર છે. જો હદયરોગની સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. એ જ રીતે, જો સમયસર નિદાન ન થાય તો સૂક્ષ્મ રીતે હદયરોગ વધી શકે છે, ઈમરજન્સી થઈ શકે છે અને આગળ જતાં જીવનક્ષમતા પણ મર્યાદિત કરી શકે છે. ડૉ. કેયુર વોરાનાં મંતવ્ય પ્રમાણે હૃદયરોગને લગતી તમામ બિમારીઓના સચોટ નિદાન માટે આજનાં સમયમાં 'કાર્ડિયાક ઈમેજીંગ' સૌથી અગત્યનો ભાગ ભજવી શકે છે. કાર્ડિયાક ઈમેજીંગ શું છે? કાર્ડિયાક ઈમેજીંગ એ મેડિકલ ક્ષેત્રની અતિઆધુનિક ટૅક્નોલોજી છે. જેમાં CT Scan અને MRI દ્રારા હદયની નસો, વાલ્વ, પડદા, હદયની પમ્પીંગ અને સ્નાયુઓને લગતાં રોગો વિવિધ પ્રકારના જન્મજાત હૃદયરોગ ઉપરાંત હદયને લગતાં કેન્સર અને લોહીની ગાંઠ જેવા જટીલ રોગોનું એડવાન્સ ટેક્નોલોજીથી અભ્યાસ કરી સચોટ નિદાન કરવામાં આવે છે. આપણા ઘણા મિત્રોએ CT Coronary Angiography વિષે સાંભળ્યું હશે. આ એક એવી આધુનિક ટૅક્નિક છે, જેમાં હાથની નાની શિરામાં ઇન્જેક્શન આપી CT Scan કરીને હદયની તમામ નાની-મોટી ધમનીઓની એન્જીઓગ્રાફી કરી, અત્યંત સૂક્ષ્મ નોન-કૅલ્શિફાઈડ અને જટીલ કૅલ્શિફાઈડ બ્લોકેજનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ સચોટ માહિતીના આધારે યોગ્ય માર્ગદર્શન અને સારવાર મળી શકે છે. ખાસ કરીને જે લોકોને હદયરોગની Family History હોય, કૉલેસ્ટ્રોલ ખૂબ વધુ રહેતુહોય અને ઈમરજન્સી લક્ષણો જેવા કે છાતીમાં દુખાવો કે શ્વાસની તકલીફ હજુ સુધી ન થઈ હોય, તેમણે કાર્ડિયોલોજીસ્ટની સલાહ પ્રમાણે કેલ્શિયમ સ્કોર અને CT કોરોનરી એન્જીયોગ્રાફી વિશે માર્ગદર્શન લેવું જોઈએ. આ ઉપરાંત, ઘણાં દર્દીઓને હૃદયરોગની તકલીફ થયા પછી હૃદયનું પમ્પીંગ ઘટવાથી વારંવાર ઈમરજન્સી સારવારની જરૂર પડે છે. જો નસોમાં બ્લોકેજ વધુ હોય તો સ્નાયુઓને ઈજા થવાથી પમ્પીંગ ઓછું થાય છે, પરંતુ નસો સંપૂર્ણ સામાન્ય હોય તો પણ હદયના સ્નાયુઓને લગતા ઘણા રોગોમાં પમ્પીંગ ઓછુ થાય છે. આ તમામ રોગોને કાડિયોમાયોપની (Cardiomyopathy) ગણવામાં આવે છે, જેનું સચોટ નિદાન કરવા માટે એડવાન્સ ઈમેજીંગ ટૅક્નિક છે 'કાર્ડિયાક MRI'. આ તપાસથી ઘણા જટીલ એન્જીઓપ્લાસ્ટી અને બાયપાસને લગતા નિર્ણયો પણ સરળ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ડૉ. કેયુર વોરા કાર્ડિયાક ઈમેજીંગ નિષ્ણાંત અને રિસર્ચ ઈન્વેસ્ટીગેટર છે. ડૉ. કેયુર વોરા અમેરિકન કૉલેજ ઓફ કાર્ડિયોલોજી (ACC USA), સોસાયટી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (SCCT USA) અને કાર્ડિયોવાસ્ક્યુલર MRના વિષયમાં રિસર્ચ ક્ષેત્રે પશ્વિમ ભારતના સૌપ્રથમ Fellow છે. હાલમાં વિશ્વમાં પુખ્ત વયના લોકોમાં હદયના પમ્પીંગને લગતી તકલીફ, જેને Heart Failure કહેવાય છે, તેનો દર એક થી બે ટકા સુધી છે. ડૉ. કેયુર વોરા Heart Failure અને Cardiomyopathy ના ક્ષેત્રમાં ઈમેજીંગ રિસર્ચ દ્વારા સચોટ નિદાન અને સારવારના વિકલ્પો માટે કાર્યરત છે.