ધાંગધ્રા તાલુકાની વસાડવા ચોકડી પાસે બની ઘટના : લગ્ન પ્રસંગ ધામધૂમથી ઉજવાયા બાદ પરિવારમાં ઓચિંતો શોકહળવદ : મોરબીનો વાઘેલા પરિવાર અમદાવાદ જાન લઈને ગયો હતો. લગ્ન કરી વરરાજા પરત મોરબી આવી રહ્યા હતા. ત્યારે ધાંગધ્રા તાલુકાના વસાડવા ચોકડી પાસે ટ્રક ચાલકે અડફેટે લેતા વરરાજાની કારને અકસ્માત નડ્યો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જ્યારે નવદંપતી સહિત ચાર ઇજાગ્રસ્ત થયા હતા.બનાવી જાણવા મળતી વિગતો મુજબ મોરબી ખાતે રહેતા વાઘેલા પરિવાર જાન લઈને અમદાવાદ ગયો હતો અને લગ્ન પતાવી વરરાજાની કાર મોરબી પરત આવી રહી હતી. ત્યારે ધાંગધ્રાના વસાડવા ગામ પાસે આવેલ ચોકડીએ ટ્રક ચાલકે વરરાજાની આઈ10 કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં તુલસીભાઈ મેઘજીભાઈ વાઘેલા ઉંમર વર્ષ ૫૦નું મોત નીપજ્યું હતું.જ્યારે નવદંપતી સહિત ચાર વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા પ્રથમ ધાંગધ્રા અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યા હતા. આમ પરિવારે ધામધૂમથી લગ્ન પ્રસંગ મનાવ્યાં બાદ પરિવારના સભ્યનું મોત નિપજતા ઓચિંતો શોક છવાઈ ગયો છે.