સપ્તાહ દરમિયાન 87 લોકોને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ: NOC વગરના બિલ્ડિંગને નોટિસ અપાઈ મોરબી : મોરબી શહેરની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટે મોરબી મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઇમરજન્સી શાખા સતત કાર્યરત છે. તાજેતરમાં કંડલા બાયપાસ પાસે ગાડીમાં આગ લાગ્યાના કોલ સાથે એક સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ફાયર વિભાગ દ્વારા શહેરની વિવિધ સરકારી કચેરીઓ અને શાળાઓમાં જનજાગૃતિ અભિયાન ચલાવી 87 લોકોને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી હતી.ગાડીમાં આગ લાગતા ફાયરની ટીમ પહોંચી અંતે મોકડ્રીલ જાહેર કરાઈમોરબીના નવલખી રોડ, કંડલા બાયપાસ પાસે સ્થિત ક્રિષ્ના મેળાના સંચાલક દ્વારા ફાયર વિભાગને કોલ કરવામાં આવ્યો હતો કે પાર્કિંગમાં રહેલી એક ગાડીમાં આગ લાગી છે. કોલ મળતાની સાથે જ ફાયર એન્ડ ઇમરજન્સીની ટીમ તમામ આધુનિક સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, કામગીરી પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા આ એક 'મોકડ્રીલ' હોવાનું જાહેર કરાતા સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. આ મોકડ્રીલનો મુખ્ય હેતુ ઇમરજન્સી સમયે ટીમની સજ્જતા તપાસવાનો અને લોકોમાં સુરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો.સપ્તાહ દરમિયાન ફાયર પ્રિવેન્શનની કામગીરી:મોરબી ફાયર વિભાગ દ્વારા ગત તા. 03/02/2026 થી 09/02/2026 દરમિયાન સઘન ચેકિંગ અને ટ્રેનિંગ હાથ ધરવામાં આવી હતી: • ટ્રેનિંગ: 03 સરકારી કચેરીના 37 કર્મચારીઓ, 01 શાળાના 40 વિદ્યાર્થીઓ/સ્ટાફ અને શાકભાજી બજારના 09 લોકોને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ. • ચેકિંગ અને નોટિસ: વિવિધ સમાજવાડી, કોમ્પ્લેક્ષ અને ઇન્ડસ્ટ્રીઝમાં ફાયર NOC બાબતે ચેકિંગ કરાયું. જેમાં ક્ષતિ જણાતા નોટિસો ફટકારવામાં આવી છે. • અસર: અગાઉ અપાયેલી નોટિસના પગલે 185 કોમ્પ્લેક્ષ અને 38 સમાજવાડીમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવાની કામગીરી પૂર્ણ અથવા પ્રગતિ હેઠળ છે. • નવી અરજીઓ: ફાયર સેફ્ટી એપ્રુવલ માટે આવેલી 03 નવી અરજીઓને RFO કચેરી ખાતે મોકલી આપવામાં આવી છે. મુશ્કેલીના સમયે સંપર્ક કરો:આ મોકડ્રિલનો હેતુ કોઈપણ નાની-મોટી દુર્ઘટના કે જાનહાનિ નિવારવા માટે લોકોએ ફાયર સેફ્ટીના સાધનોના ઉપયોગ અંગે માહિતગાર કરવાનો હતો. મોરબીના નાગરિકોને કોઈપણ આકસ્મિક આગ કે રેસ્ક્યુના બનાવ સમયે તાત્કાલિક (02822) 230050 અથવા ઇમરજન્સી નંબર 101 અથવા 112 પર સંપર્ક કરવા જણાવાયું છે.