હળવદ : હળવદથી બોરડી જવાના રોડ પર આજે 08:30 ની આસપાસ ટાટા પંચ કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે સદનસીબે કારચાલક નીચે ઉતરી જતા કોઈ જાનહાની ન થઈ હોવાનું સામે આવ્યું છે. જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના અમરાપર ગામે રહેતા ખોડાભાઈ ભરતભાઈ ચૌહાણની ટાટા પંચ કારમાં આજે હળવદથી બોરડી જવાના રોડ પર અચાનક આગ લાગતા કારચાલક ખોડાભાઈ તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા. જોકે આજુબાજુમાં આગ બુઝાવવા કોઈ પાણીની પણ વ્યવસ્થા ન હોય જેથી જોત જોતામાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ કયા કારણોસર લાગી છે તે હજુ સુધી સામે આવ્યું નથી. જોકે બનાવને પગલે હળવદ ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.