પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાની ઉપસ્થિતિમાં પંચાયતી રાજ, GPDP અને વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માર્ગદર્શન અપાયુંમોરબી : મોરબી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના નવનિયુક્ત પદાધિકારીઓ અને સભ્યો માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય ક્ષમતા નિર્માણ (Capacity Building) તાલીમ કાર્યક્રમનું આયોજન પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય હેતુ ચૂંટાયેલા પ્રતિનિધિઓને પંચાયતી રાજ વ્યવસ્થા, તેમની ભૂમિકા, સત્તાઓ, જવાબદારીઓ, વિકાસલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા સુશાસન અંગે માર્ગદર્શન આપવાનો હતો.આ કાર્યક્રમમાં મંત્રી ત્રીકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, તાલીમ લીધેલ વ્યક્તિને વિકાસની દિશાનો ખ્યાલ રહે છે અને ભવિષ્યમાં આવતા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આત્મવિશ્વાસ તેમજ પ્રેરણા મળે છે. તેમણે તમામ ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓને પંચાયતધારા વિશે ચર્ચા કરવા અને તેનું વાંચન કરવા માર્ગદર્શન આપ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, દરેક કામમાં ગુણવત્તા જાળવવા અને તે અંગેની પૂર્ણતા તપાસવા તેમજ તમામ કાર્યો ગુણવત્તાસભર થાય તે સુનિશ્ચિત કરવા પ્રતિનિધિઓને ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું.આ ઉપરાંત પંચાયતના જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસેથી થયેલા તેમજ ચાલુ કામોની માહિતી મેળવી ખેડૂતોને સરકારની વિવિધ યોજનાકીય સહાયનો લાભ અપાવવા માટે પણ પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોરબીના સર્વાંગી વિકાસ માટે તમામ પ્રતિનિધિઓને એક ટીમ બનીને કાર્ય કરવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.તાલીમ સત્ર દરમિયાન પંચાયતી રાજ વ્યવસ્થાનો પરિચય, જિલ્લા તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓની ભૂમિકા, ગ્રામસભાનું મહત્વ, ગ્રામ વિકાસ યોજનાઓ, ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP), 16મા નાણાપંચ, ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, નાણાકીય વ્યવસ્થાપન, પારદર્શિતા અને જનભાગીદારી જેવા મહત્વના વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકકેન્દ્રિત વહીવટ અને વિકાસલક્ષી કાર્યોમાં સક્રિય ભૂમિકા નિભાવવા અપીલ કરાઈ હતી.આ તાલીમ કાર્યક્રમમાં રાજ્યના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણના રાજ્યમંત્રી અને મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રીકમભાઈ છાંગા, જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપુલભાઈ ગરચર, ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના ચેરમેનો, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ ભટ્ટ, અગ્રણી જયંતીભાઈ રાજકોટિયા, અરવિંદ વાંસદડીયા, વિવિધ તાલુકા પંચાયતના પ્રમુખો સહિત જિલ્લાના વિવિધ પદાધિકારીઓ, અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.#Morbi #MorbiUpdate #PanchayatTraining #CapacityBuilding #MorbiDistrictPanchayat #TalukaPanchayat #GujaratDevelopment #GramPanchayat #GPDP