મોરબી : મોરબીના એક નાગરિક દ્વારા દિલ્હી સ્થિત ચૂંટણી પંચના કમિશ્નરને કટાક્ષમાં લેખિત રજૂઆત કરી દેશને ચૂંટણી ખર્ચમાંથી બચાવવા માટે તમામ ઉમેદવારોની જાહેર હરાજી કરાવો, તેવો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ લેખિત રજુઆતમાં રમેશ રબારીએ જણાવ્યા અનુસાર પ્રવર્તમાન સમયમાં રાજય સભામાં ચુંટણી માટે ધારા સભ્યોની કરોડોમાં ખરીદી થાય છે અને સતા મેળવવા માટે અનેકવિધ નિમ્ન કક્ષાએ સતાધારીઓ ઉતરી જાય છે. કારણકે વર્ષો પછી શાસન મળેલ છે અને સતા ભોગવવામાં સતા લાલચુ રાજકારણીઓ સરેઆમ બંધારણનો ભંગ કરતા હોય છે અને પ્રજાના હિસાબે અને જોખમે લખલુટ નાણાનો ઉપયોગ કરે છે અને આવા બની બેઠેલા પદાધિકારીઓ પ્રજાએ આપેલ મતનો અનાદર કરી પોતાના અંગત સ્વાર્થ માટે ઘર ભરી રહયા છે ત્યારે હવે ચુંટણીની જગ્યાએ વિધાન સભા - લોક સભાની તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાઓ તમામ બેઠકો માટે તમામ પક્ષોના ઉમેદવારોની પ્રજાની વચ્ચે જાહેર હરરાજી રાખી જે પક્ષના ઉમેદવાર મોટી રકમ આપે તેને ચુંટાયેલો જાહેર કરવો જોઈએ. અન્યથા પ્રજાદ્રોહ કરે મનમાની કરતા લોકો કાબુમાં આવશે નહીં, સંવિધાન બચશે નહી તથા દેશ હિતનું કામ થશે નહી એ નિર્વિવાદ છે. ચુંટણી પંચ જો ખરીદ-વેચાણ બંધ ન કરાવી શકતું હોય અને કોઈપણ જાતના પગલા ન લઈ શકતું હોય તો ઉપરોકત બાબતે ચુંટણી પંચે અમલવારી કરવા વિચારવું જોઈએ.