ચક્કાજામને પગલે પોલીસે તુરત જ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો મોરબી : રાજકોટમાં એલઆરડીની પરીક્ષા આપવા ગયેલા કચ્છના ઉમેદવારોને પરત જવા માટે રાજકોટથી બસ ન મળ્યા બાદ મોરબી આવતા મોરબીમાં પણ બસ ન મળતા આ ઉમેદવારો વિફર્યા હતા અને બસો રોકીને થોડીવાર માટે ચક્કાજામ કરી દીધો હતો. જો કે આ બનાવની જાણ થતાં પોલીસે તુરત જ ઘટનાસ્થળે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો. એલઆરડીની પરીક્ષા માટે રાજકોટનું કેન્દ્ર ફાળવવામાં આવ્યું હોવાથી મોરબી, કચ્છ સહિતના જિલ્લાના ઉમેદવારો રાજકોટ પરીક્ષા આપવા ગયા હતા. જો કે એસટી તંત્ર દ્વારા અગાઉથી જાણ કરી દેવામાં આવી હતી કે, જે ઉમેદવારોને રાજકોટ પરીક્ષા આપવા જવું હોય એ અગાઉથી રિઝર્વેશન કરાવી લેવું, દરમિયાન કચ્છના ઉમેદવારો રાજકોટમાં પરીક્ષા આપવા ગયા બાદ પરત ફરતી વખતે બસ ન મળતા આ બધા ઉમેદવારો મોરબી આવ્યા હતા અને મોરબીથી પણ કચ્છ જવા માટે બસ ન મળતા રોષે ભરાયેલા ઉમેદવારો બસ સ્ટેન્ડમાં આવતી જતી બસને રોકી રાખતા અંતે પોલીસ દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો. આ અંગે મોરબી એસટી ડેપો મેનેજર દિલીપ શામળાએ જણાવ્યું હતું કે, મોરબીના એક પણ ઉમેદવાર ન હતા. કચ્છના જે ઉમેદવારોને બસ ન મળી હોવાની ફરિયાદ હતી તેમાં હવે બસની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.