મોરબી: મોરબી મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 (શહેરી) અંતર્ગત બેનીફીશીયરી લેડ કન્સ્ટ્રકશન (BLC) ઘટકના લાભાર્થીઓ માટે ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે ત્રિદિવસીય કેમ્પ (મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે. મહાપાલિકાએ પાત્રતા ધરાવતા તમામ શહેરીજનોને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. આ કેમ્પ કાલે 7 ઓકટોબર ને મંગળવારથી 9 ઓકટોબર સુધી સવારે 10:30 થી સાંજે 05:00 વાગ્યા સુધી યોજાશે. જેમાં 07/10/2025 ને મંગળવારે રાધે કૃષ્ણ મંદિર, પ્રાથમિક શાળાની બાજુમાં, પરશુરામ પોટરીની પાસે, સામાકાઠે, મોરબી, 08/10/2025 ને બુધવારે કષ્ટભંજન હનુમાનજી મંદિર, સીધનાથ મહાદેવની બાજુમાં, કપૂરીની પ્રાથમિક શાળાની દલવાળી સર્કલ કેનાલ રોડ તેમજ 09/10/2025 ને ગુરૂવારના રોજ મોરબી મહાપાલિકા કલસ્ટર નં.1 ની કચેરી (નાની વાવડી ગ્રામપંચાયત ઓફીસ), મોરબી ખાતે કેમ્પનું આયોજન કરાયું છે. આ યોજના હેઠળ, જે લાભાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂ. 3 લાખથી ઓછી છે અને જેઓ પોતાની માલિકીનો ખુલ્લો પ્લોટ અથવા કાચું, અર્ધકાચું, કે જર્જરિત મકાન ધરાવે છે, તેઓ તેને પાડીને સરકારના ધારા-ધોરણો અને ગાઈડલાઈન્સ મુજબનું નવું આવાસ બાંધકામ કરવા માટે ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી શકશે.નવા આવાસના બાંધકામ દીઠ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કુલ મળીને રૂ. 4,00,000/- (રૂપિયા ચાર લાખ) ની સહાય 4 (ચાર) હપ્તામાં મળવાપાત્ર રહેશે. પાત્રતા ધરાવતા લાભાર્થીઓએ નિયત તારીખે અને સમયે ઉપરોક્ત સ્થળો પર હાજર રહીને આ યોજનાના BLC ઘટક અંતર્ગત ઓનલાઈન ડીમાન્ડ સર્વેમાં નોંધણી કરાવી લેવા માટે મોરબી મહાપાલિકા દ્વારા અપીલ કરાઈ છે.