૧૦, ૧૧ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ સવારે ૧૦:૦૦ થી સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી જુદા જુદા સ્થાન પર કેમ્પ યોજાશે મોરબી: મોરબી મહાપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી) અંતર્ગત બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન (BLC) ઘટકના ઓનલાઈન ડિમાન્ડ સર્વેમાં નોંધણી કરાવવા માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન ૧૦, ૧૧ અને ૧૩ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ જુદા જુદા સ્થાન પર કરવામાં આવેલ છે.જેમાં ૧૦ સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ નવી આંગણવાડીનું કેમ્પસ, ઉમિયા નગર મેઈન રોડ, બગીચાની સામે, મોરબી, ૧૧ સપ્ટેમ્બર અને શુક્રવારના રોજ મોરબી મહાપાલિકા ક્લસ્ટર-૭ની કચેરી, વિશ્વકર્મા બાલમંદિર, વાંકાનેર દરવાજા, મોરબી, તેમજ ૧૩ સપ્ટેમ્બર અને શનિવારે રામજી મંદિર, ગોકુલનગર, શનાળા રોડ, મોરબી ખાતે સમય સવારે ૧૦:૦૦ થી સાંજે ૦૫:૦૦ વાગ્યા સુધી કેમ્પનું આયોજન કરાયું છે. પાત્રતા ધરાવતા નાગરિકોને આ તકનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે.આ યોજના હેઠળ, લાભાર્થીઓને ૩૦ થી ૪૫ ચોરસ મીટરના કાર્પેટ વિસ્તારમાં બે રૂમ, રસોડું, અને શૌચાલય-બાથરૂમ સહિતનું પાકું મકાન બનાવવા માટે કુલ ₹૪,૦૦,૦૦૦/-ની સહાય મળશે. આ સહાય કેન્દ્ર સરકાર તરફથી ₹૧,૫૦,૦૦૦/- અને રાજ્ય સરકાર તરફથી ₹૨,૫૦,૦૦૦/- એમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે.આ કેમ્પનો લાભ એવા નાગરિકો લઈ શકે છે જેઓ મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં કાચું, અર્ધ-કાચું, જર્જરિત મકાન અથવા ખુલ્લો પ્લોટ ધરાવે છે. તેમની કૌટુંબિક વાર્ષિક આવક ₹૩ લાખથી ઓછી હોવી જોઈએ અને તેમણે અગાઉ ભારતભરમાં કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધો ન હોવો જોઈએ.