ચાર શખ્સોએ માર માર્યો હોવાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના વિસીપરા વિસ્તારમાં જૂની તકરારનું સામાધન કરવા ઘરે બોલાવીને બે ભાઈઓને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે ચાર શખ્સોએ માર માર્યો હોવાની બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ચારેય આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના અયોધ્યા પુરી રોડ ઉપર આવેલા મચ્છુ માતાની જગ્યા પાસે રહેતા 25 વર્ષીય નિજામભાઈ જુસબભાઈ કટીયાએ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા નિજામ હૈદર જેડા, અલ્તાફ હૈદર જેડા, હરભજન ગેંડો અને નાસિર એમ ચાર શખ્સો સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદીને આરોપી નિજામ હૈદર જેડા સાથે અગાઉ કોઈ બાબતે તકરાર થઈ હતી. આ તકરારનું સામાધન કરવા માટે આરોપીએ ફરિયાદીને તેના ઘરે બોલાવ્યો હતો અને ફરિયાદી તેના ભાઈ સાથે સ્કુટરમાં બેસીને આરોપીના ઘરે ગયો હતો. ત્યારે આરોપીઓએ જૂની તકરારનો ખાર રાખી ફરિયાદી અને તેના ભાઈને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.