ચોમાસા પહેલા તાકીદે કામ પૂર્ણ કરી આપવા કલેકટરને રજૂઆત મોરબી : મોરબીમાં રવાપર રોડ પર કાલીકા પ્લોટમાં શેરી નંબર 6ના લતાવાસીઓ દ્વારા આર.સી.સી. રોડનું કામ ચોમાસા પહેલા તાત્કાલિકના ધોરણે પૂર્ણ કરી આપવા બાબતે કલેકટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે મોરબીમાં કાલીકા પ્લોટની શેરીમાં આર.સી.સી. રોડ બનાવવા માટે જેસીબી દ્વારા સૌ પ્રથમ આખી શેરી ખોદવામાં આવેલ છે. અને હાલમાં કાળા પાણા તથા કાળી ભૂકી નાખી રાખી દીધેલ છે. આ શેરી છેલ્લા ત્રણ માસથી ખોદેલ હોય હજુ સુધી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. શેરીમાં રોડ બનાવવા માટે કપચીના ઢગલા પણ કરી રાખ્યા છે પરંતુ હજુ સુધી ના તો કોઈ કોન્ટ્રાકટર આવે છે ના તો કોઈ મજુર. જાણે આ શેરીનો રોડ બનાવવામાં નગરપાલિકાને કોઈ રસ જ ન હોય. ધીમે ધીમે આઠથી દસ દિવસે થોડું થોડું કામ કરીને મૂકી દેવાય છે અને જાણે ચોમાસાની રાહ જોવાતી હોય કે ચોમાસુ આવે ને કામ પડતા મૂકી દઈએ. હમણા થોડા દિવસ પહેલા તોકતે વાવાઝોડામાં પડેલા વરસાદના કારણે આ શેરીમાં પુષ્કળ પ્રમાણમાં ગારા કીચડ થયેલ હતો. તેમજ આ ખોદાયેલ શેરીના કારણે પાણી પણ ખૂબ જ ભરાઈ ગયેલ હતાં. ટૂંક સમયમાં ચોમાસુ શરૂ થવાનું હોય, વધુ હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે વહેલામાં વહેલી તકે આ શેરીમાં મંજૂર થયેલ અને ખોદાયેલ શેરીમાં રોડનું કામ પૂરૂ કરી આપવા લતાવાસીઓની અરજ છે. આજ ત્રણ-ત્રણ માસ વિતવા છતાં હજુ સુધી રોડનું કામ ચાલુ કરવામાં આવેલ નથી. તો તાકીદે આ રોડનું કામ ચાલુ કરી ચોમાસા પહેલા પૂર્ણ કરી આપવા માંગ કરાઈ છે.