વાવઝોડાની અસરતળે અંધાધૂંધ પવન સાથે વરસાદ પડતાં ઠેરઠેર વૃક્ષો અને વિજપોલ પડ્યા, વીજપુરવઠો ખોરવાયો, લાતીપ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, અનેક જગ્યાએ કાચી દીવાલો પડી મોરબી : જખૌ દરિયા કિનારે વાવઝોડું ટકરાયા બાદ તેની અસરતળે મોરબી જિલ્લામાં ગતરાત્રેથી ભારે પવનની આંધી સાથે અંધાધૂંધ વરસાદ પડ્યો હતો. સતાવાર માહિતી મુજબ રાત્રે 2થી સવારના 10 સુધીમાં મોરબી જિલ્લામાં 1થી અઢી ઇંચ વરસાદ પડ્યો હતો. વાવઝોડાની અસરતળે અંધાધૂંધ પવન સાથે વરસાદ પડતાં ઠેરઠેર વૃક્ષો અને વિજપોલ પડ્યા હતા આથી વીજપુરવઠો ખોરવાયો છે. તેમજ લાતીપ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક જગ્યાએ કાચી દીવાલો પડી હતી. મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસરતળે ગતરાત્રે જ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. મોધરાત્રે વરસાદ ભારે પવન સાથે શરૂ થયા બાદ આખી રાત અને આજે દિવસ પણ ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. જિલ્લા કંટ્રોલ રૂમે ગતરાત્રીના 2 વાગ્યાથી આજે સવારના 10 વાગ્યા સુધી નોંધાયેલા વરસાદના આંકડા મુજબ માળીયામાં સૌથી વધુ 69 મિમી એટલે અઢી ઇંચ, ટંકારામાં 55 મિમી એટલે સવા બે ઈંચ, મોરબીમાં 42 મિમી એટલે દોઢ ઈંચ, વાંકાનેરમાં 44 મિમી દોઢ ઈંચ અને હળવદમાં 24 એટલે એક ઇંચ વરસાદ પડ્યા બાદ હજુ સવારના 11 વાગ્યે ભારે પવન સાથે વરસાદ ચાલુ છે. જિલ્લા કંટ્રોલ રૂમમાંથી મળતી વિગતો મુજબ મોરબીમાં ચાર જગ્યાએ વૃક્ષો પડ્યા હતા અને ઠેરઠેર વિજપોલ પડતા વીજપુરવઠો ખોરવાયો હતો.તેમજ લાતીપ્લોટ, શનાળા રોડ, રવાપર રોડ સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક જગ્યાએ કાચી દીવાલો પડી હતી.