રંગપર - વિરાટનગરમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટના વેસ્ટ પાણી ફેક્ટરીઓમાં ઘુસી ગયા, એક વર્ષથી સતત રજુઆત છતાં નિરાકરણ ન થયુંમોરબી : મોરબીના રંગપર - જેતપર રોડ ઉપર રંગપર અને વિરાટનગર આજુબાજુમાં આવેલ 16 જેટલી ફેક્ટરીઓમાં ગામમા આવેલ ફિલ્ટર પ્લાન્ટના ગંદા વેસ્ટ પાણી ભરાઈ જતા લોકોને તો ઠીક વાહનોની આવન જાવન પણ થઈ ન શકતા ઉદ્યોગકારોને ફેકટરીઓ બંધ કરવી પડે તેવી નોબત આવી છે, ચોંકાવનારી બાબત તો એ છે કે, છેલ્લા એક વર્ષથી સતત રજુઆત કરવા છતાં પણ સંબંધિત વિભાગ દ્વારા કોઈ પગલાં ન લેવાતા અહીં ગંદા પાણીની રીતસર નદી વહેવાની સાથે ફેક્ટરીઓના પાણી ભરાઈ ગયા છે.મોરબીના રંગપર જેતપર રોડ ઉપર આવેલ લેમોરેકસ ગ્રેનિટો, એન્ટીકા સિરામિક, સિયારામ સિરામિક, સાન્વી સિરામિક, એસ્ટોન સિરામિક, સ્પેન્ટાગોન સિરામિક, લાફેન્સ સિરામિક, લેમીસ્ટોન સિરામિક, લોરીસન સિરામિક, લોવીન ટાઇલ્સ, સ્પારટેન ગ્રેનિટો, લુફ્ટેન સિરામિક, લેકટોસ સિરામિક, લોરીકા સિરામિક અને લોરીયન્સ સિરામિક ફેકટરીના સંચાલકોએ રંગપર ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી સહિતના સંબંધિત વિભાગોને લેખિત રજુઆત કરી રંગપર અને વિરાટનગરમાં આવેલ ફિલ્ટર પ્લાન્ટના વેસ્ટ પાણીથી ધંધા રોજગાર ઠપ્પ થઈ જવા અંગે છેલ્લા એક વર્ષથી સતત ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં લેવાયા ન હોવાનો આરોપ લગાવ્યો છે.વધુમા રજુઆતમાં જણાવાયું છે કે, રંગપર - વિરાટનગરમા આવેલ ફિલ્ટર પ્લાન્ટમાંથી સતત વેસ્ટ પાણીનો ખુલમખુલા નિકાલ કરવામાં આવી રહ્યો છે જે તમામ પાણી ઉપરોક્ત 16 ફેક્ટરીઓના મુખ્ય માર્ગ અને ફેકટરીના આંગણા સુધી પહોંચી ગયા હોય ફેકટરીમાં શ્રમિકો અને સંચાલકોને આવવા જવામાં તેમજ વાહનો અવર જવરમાં પણ મુશ્કેલી પડતી હોવાથી હવે ધંધા રોજગાર બંધ કરવા પડે તેમ હોય તાકીદે પ્રશ્ન ઉકેલવા માંગ ઉઠાવી છે.