એકબાજુ લોકડાઉનમાં ધંધા બંધ અને ઉપરથી લારી-ગલ્લા હટાવી લેતા ધંધા-રોજગાર છીનવાયા હોવાનો સામાન્ય વર્ગના ધંધાર્થીઓનો બળાપો મોરબી : મોરબી શહેરમાં રેકડી કેબીનો રાખીને વિવિધ ચીજવસ્તુઓ વેંચતા સામાન્ય વર્ગના લોકો મુસીબતમાં મુકાય ગયા છે.કારણ કે હાલ લોકડાઉન-3 માં મોરબી પોલીસ તંત્ર દ્વારા નગરપાલિકા તંત્રને શહેરમાં જે લારી, ગલ્લા કે નડતરરૂપ છે તેને હટાવી દેવાની તાકીદ કરાઈ છે.આથી તંત્ર દ્વારા રાત્રે જ શહેરમાં ઠેરઠેર રહેલા લારી ગલ્લા અને નડતરરૂપ હાલતમાં રહેલી વસ્તુઓને હટાવી દેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.તેથી એકબાજુ લોકડાઉનમાં ધંધા બંધ અને ઉપરથી લારી-ગલ્લા હટાવી લેતા ધંધા-રોજગાર છીનવાયા હોવાનો સામાન્ય વર્ગના ધંધાર્થીઓએ બળાપો ઠાલવ્યો છે. શહેરમાં હમણાંથી રાત્રીના આઠ વાગ્યા પછી શહેરમાં રેકડી કેબીનો હટાવી દેવાની કામગીરી કરવામાં આવે છે.અત્યાર સુધીમાં શહેરના હાર્દ સમાં ઉમિયા સર્કલથી સરદાર બાગ સુધી અને રેલવે સ્ટેશનથી સુપર ટોકીઝ સુધી અને વીસી ફાટક સુધી અંદાજે 150 જેટલા લારી ગલ્લા કેબીનો હટાવી દેવામાં આવ્યા છે.જેમાં પોલીસ અને નગરપાલિકા તંત્રની આ કાર્યવાહીથી લારી ગલ્લા ધરાવતા સાવ સામાન્ય વર્ગના ધંધાર્થીઓ મુશ્કેલીમાં મુકાય ગયા છે.એક તો લોકડાઉનના કારણે તમામ લારી ગલ્લા બંધ છે અને હવે આ લારી ગલ્લા હટાવી દેવાતા લોકડાઉન ખુલે ત્યારે ધંધો કરવામાં મોટી મુશ્કેલી ઉભી થશે તેવી દહેશત વ્યક્ત થઈ રહી છે. એક દોઢ માસથી ધંધા બંધ છે અને હવે લારી ગલ્લા હટાવી દેવાતા સામાન્ય વર્ગના ધંધાર્થીઓ પર મોટી આફત આવી છે અને લારી ગલ્લા મુક્ત કરાવવા જાઇ ત્યારે પૈસા ભરવા પડે છે અને પૈસા ભરીને પણ લારી કેબીનો તૂટેલી હાલતમાં જ મળે છે.આ ધંધાર્થીઓ બળાપો ઠાલવી રહ્યા છે કે તંત્રને જો કાર્યવાહી કરવી હોય તો અગાઉ થોડી મુદત આપી હોત તો જાતે જ લારી ગલ્લા હટાવી લેત.જેથી લારી ગલ્લા તો સલામત રહી જાત .જોકે સાંજના સાત વાગ્યા પછી જ કામગીરી થતી હોય અને લોકડાઉન કારણે ધંધાર્થીઓ નીકળી શકતા ન હોવાથી લારી ગલ્લા લઈ શકતા નથી.આથી તંત્ર લારી ગલ્લા હટાવી દેતા હોય સામાન્ય વર્ગના ધંધાર્થીઓની કફોડી હાલત થઈ ગઈ છે.