સિવિલ હોસ્પિટલમાં મા કાર્ડની કામગીરી સોપાયા બાદ 12 દિવસમાં એકપણ કાર્ડ ન કાઢવામાં આવ્યું હોવાની કલેકટરને રાવ મોરબી : મા અમૃતમ યોજનાની કામગીરી ખાનગી એજન્સી પાસેથી આંચકી લઈ મોરબી સિવિલ હોસ્પિટલમાં માં અમૃતમ કાર્ડની કામગીરી સોંપવમાં આવી છે પરંતુ છેલ્લા 12 દિવસમાં એક પણ લાભાર્થીને કાર્ડ કાઢી દેવામાં આવ્યું નથી અને કામગીરીમાં ધાંધિયા ચાલતા હોય માળીયા મિયાણા તાલુકાના લક્ષ્મીવાસ ગામના જયદીપ સંઘાણી દ્વારા જિલ્લા કલેકટર કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા કલેકટરને કરવામાં આવેલી રજુઆતમાં જણાવાયું છે કે સરકાર દ્વારા ગરીબ મધ્યમવર્ગીય પરિવારોને આરોગ્ય સુવિધા માટે માં અમૃતમ યોજના અમલી બનાવી છે જેમાં હાલ મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલને કામગીરી સોંપાઈ છે પરંતુ અહીં કંઈ પણ સુવિધા નથી કોમ્પ્યુટર ચાલુ નથી, ઇન્ટરનેટની સુવિધા નથી અને કોઈ પણ સ્ટાફને આ બાબતનું જ્ઞાન નથી કે ટ્રેનિંગ નથી. વધુમાં કોરોના કાળમાં લોકો ખુબ જ હેરાન થઈ રહ્યા છે ત્યારે આજે સરકારની માં અમૃતમ કાર્ડ યોજના હેઠળ સારવાર લેવા માટે માં અમૃતમ કાર્ડ જરૂરી હોય અને માં અમૃતમ કાર્ડ કઢાવાની કામગીરી પ્રાઇવેટ કંપની પાસેથી તારીખ ૦૧/૦૬/૨૦૨૧ ના રોજ લઈને સરકારે પોતાના હાથે કરવાનો નિર્ણય લીધો છે. જે નિર્ણય અંતર્ગત આજે ૧૨ દિવસમાં મોરબી જિલ્લાની સિવિલ હોસ્પિટલ એક પણ કામ થયેલ નથી અને ગરીબ લોકોની હાલત ખુબ જ કફોડી થયેલ છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં અંદાજે રોજના ૧૦૦ લોકો પોતાના મજૂરી કામ ખોટી કરીને ધક્કા ખાય છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં પણ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ જવાબ મળેલ નથી. ઉપરાંત સામે એવા જવાબો મળે છે કે હજુ સમય લાગશે અને થશે તો માત્ર મોરબી તાલુકા પૂરતું જ થશે, અન્ય તાલુકાનું નહિ થાય તો શું અન્ય તાલુકાના લોકોને મરવા દેવાના કે સરકારની યોજના હોવા છતાં પણ સિવિલ હોસ્પિટલના નબળા આયોજનના લીધે પોતાના પૈસા ખર્ચીને ઈલાજ કરવાનો હોય તો જેમ બને એમ જલ્દી મોરબીમાં મા કાર્ડની કામગીરી ઝડપી બનાવી ગરીબ લોકોની હાલાકી સમજી વહેલામાં વહેલી આ સમસ્યા દૂર કરવા માંગ ઉઠવાઈ છે.