મોરબી : મોરબીમાં OSEM GSEB કોમર્સ ફેસ્ટના ત્રીજા દિવસે વૃદ્ધાશ્રમના વડીલોના કરકમલોથી બિઝનેસ ફેરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોમર્સ ફેસ્ટના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓના બિઝનેસ ફેરનું ભાવસભર અને પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું છે. આ બિઝનેસ ફેરનું ઉદ્ઘાટન વૃદ્ધાશ્રમના વડીલોના કરકમલોથી કરવામાં આવ્યું હતું, જે પેઢીઓ વચ્ચેના સંવાદ, સંસ્કાર અને અનુભવના સેતુરૂપ બન્યું છે.બિઝનેસ ફેરમાં વિદ્યાર્થીઓએ પોતે બનાવેલા ખાદ્યપદાર્થો, હસ્તકલા, સર્જનાત્મક પ્રોડક્ટ્સ તથા નાના વ્યવસાયિક મોડલ્સ રજૂ કરી વેચાણ કર્યું હતું. આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, ભાવનિર્ધારણ અને ગ્રાહક વ્યવહારનો જીવંત અનુભવ મેળવ્યો છે. આ અવસરે ટ્રસ્ટી સુમંતભાઈ તથા નારુભા જેટવાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના પ્રયાસોની પ્રશંસા કરી અને જણાવ્યું કે, આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓને નોકરી શોધનાર નહીં પરંતુ નોકરી આપનાર બનવા પ્રેરિત કરે છે. સ્કૂલના પ્રિન્સિપાલ સના કાઝીએ જણાવ્યું કે, “વૃદ્ધાશ્રમના વડીલોના આશીર્વાદ સાથે થયેલું ઉદ્ઘાટન વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે. કોમર્સ ફેસ્ટ વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ, નેતૃત્વ અને સ્વાવલંબનની દિશામાં આગળ વધારે છે.” માતા-પિતા અને વાલીઓની ઉત્સાહભરી હાજરી સાથે સમગ્ર કાર્યક્રમ શૈક્ષણિક અને આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.