બસની એન્ટ્રી થતા જ ક્યાં રૂટની બસ છે તેનું બોર્ડ જોવા મુસાફરોની દોડાદોડી, ઇન્કવાયરી ઓફિસમાં પણ મુસાફરોને જવાબ ન મળતા હોવાની રાવમોરબી : જ્યાંથી દરરોજ હજારો લોકો મુસાફરી કરી રહ્યા છે તેવા મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડની હાલત રામ ભરોસે હિન્દૂ હોટલ જેવી બની છે. કોઈ પણ જાતના મેનેજમેન્ટ વગર ચાલતા બસ સ્ટેન્ડના એક પણ બસ પ્લેટફોર્મ ઉપર ઉભી રહેતી ન હોય બસસ્ટેન્ડના બસ પ્રવેશતા જ મુસાફરો બસ કયા રૂટ ઉપર જશે તે જોવા દોડાદોડી કરવી પડતી હોવાનું સામે આવ્યું છે.મોરબી શહેરમાં એસટી બસ માટે જૂનું અને નવું એમ બે બસસ્ટેન્ડ આવેલ છે જેમાં રાજકોટ, જામનગર તેમજ અન્ય ગામડાઓમાં જતી મોટાભાગની બસ જુના બસસ્ટેન્ડથી ઉપડતી હોય છે. જો કે કરોડો રૂપિયાના ખર્ચે જુના બસસ્ટેન્ડના રીનોવેશન બાદથી એક પણ બસ પ્લેટફોર્મ ઉપર ઉભી રહેવાને બદલે મન પડે તેમ મેદાનમાં ઉભી રહેતી હોવાથી દરરોજ હજારો મુસાફરો હેરાન થઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ કરતા પણ જુના બસસ્ટેન્ડના વધુ મુસાફરોની અવર જવર રહેતી હોવા છતાં પણ એસટી વિભાગ દ્વારા પણ જુના બસસ્ટેન્ડમાં મુસાફરોને સુવિધા મળે તે દિશામાં કોઇ પગલાં લેવાતા નથી. બીજી તરફ જુના બસસ્ટેન્ડમાં એસટી વિભાગ દ્વારા ઇન્કવાયરી ઓફીસ પણ નિયમિત ચાલુ રાખવામાં ન આવતી હોવાનું અને લોકોને ઉડાઉ જવાબ આપવામાં આવતા હોવાનું પણ મુસાફરો જણાવી રહ્યા છે.હાલમાં મોરબી જુના બસસ્ટેન્ડમાં જુદા જુદા રૂટની બસ માટે અલગ અલગ પ્લેટફોર્મ નક્કી કરવામાં આવ્યા હોવા છતાં એકપણ બસ નિર્ધારિત પ્લેટફોર્મ ઉપર ઉભી રહેતી ન હોય મુસાફરોને જ્યારે જ્યારે બસ બસસ્ટેન્ડમા આવે છે ત્યારે દોડાદોડી કરી ક્યાં રૂટની બસ છે તે જોવા જાણવા મહેનત કરવી પડે છે.