બસ સમયસર ન ઉપડતી હોય, બે બસો મર્જ કરીને મુસાફરોને અડધે રસ્તે ઉતારી દેવામાં આવતા હોવાની રાવ : ડેપો મેનેજરે સોમવારથી બધું બરાબર કરી દેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યોમોરબી : મોરબી એસ.ટી. ડેપો ખાતે આજે બપોરે ગ્રામ્ય વિસ્તારમાં અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓએ એસ.ટી. તંત્રની લાલીયાવાડી સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 15 દિવસથી જીંજુડા અને કુંતાસી રૂટની બસ અનિયમિત હોવાને કારણે અને બે અલગ-અલગ રૂટની બસને મર્જ કરી એક જ બસ દોડાવવામાં આવતી હોવાથી વિદ્યાર્થીનીઓએ આજે બસ ડેપોમાં જ રોકી રાખી હોબાળો મચાવ્યો હતો.વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, બપોરે 1:00 વાગ્યાની બસ છેલ્લા ઘણા દિવસોથી 1:30 થી 2:00 વાગ્યે ઉપડે છે, જેના કારણે તેઓ ઘરે 3:30 વાગ્યાની આસપાસ પહોંચે છે. વધુમાં, ભવનાથના મેળાને કારણે ડેપો દ્વારા બસો ત્યાં ફાળવી દેવામાં આવી છે, જેના પરિણામે વિદ્યાર્થીઓના રૂટની બસો મર્જ કરી દેવાઈ છે. આના કારણે જે વિદ્યાર્થીઓ અંદરના ગામડાઓના છે, તેમને અધવચ્ચે જ ઉતારી દેવામાં આવે છે, જ્યાંથી તેમના ગામનું અંતર ઘણું દૂર હોય છે. આજે 20થી વધુ વિદ્યાર્થીનીઓએ બસ રોકી રાખી ડેપો મેનેજર સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી. ડેપો મેનેજરે આ મામલે મધ્યસ્થી કરી ખાતરી આપી હતી કે સોમવારથી આ બંને રૂટની બસો રાબેતા મુજબ અલગ અલગ અને સમયસર દોડાવવામાં આવશે.વિદ્યાર્થીનીઓએ શુ કહ્યું ?એક વિદ્યાર્થીનીએ કહ્યું કે 'છેલ્લા 15 દિવસથી આ સમસ્યા છે. કુંતાસી અને ફડસરની બે બસ ભેગી કરી દીધી છે. અમે બે દિવસથી રજૂઆત કરીએ છીએ કે બસ અલગ કરો પણ કોઈ સાંભળતું નથી. કાલે બસ અઢી વાગ્યે ઉપડી હતી તો અમે ઘરે કેટલા મોડા પહોંચીએ? આજે અમે ચક્કાજામ કર્યો ત્યારે જ અધિકારીઓ આવ્યા.' બીજી એક વિદ્યાર્થીનીએ કહ્યું કે 'અમે જીંજુડા રૂટની બસમાં જઈએ છીએ. અમને બસ વાળા અધવચ્ચે ઉતારી દે છે. અમારે ત્યાંથી બીજું ગામ 7 કિલોમીટર થાય છે. એકલી દીકરીઓને આમ અજાણ્યા રસ્તે ઉતારી દે એ કઈ રીતે ચાલે? અન્ય એક વિદ્યાર્થીનીએ કહ્યું કે 'ડ્રાઈવર અને કંડક્ટર અમને એવું કહે છે કે આ અમારો પ્રશ્ન નથી, સરકારનો પ્રશ્ન છે. ડેપો મેનેજરે શુ કહ્યું ?ડેપો મેનેજરે જણાવ્યું કે 'હાલ ભવનાથ અને સોમનાથના મેળામાં તેમજ સ્કૂલના પ્રવાસોમાં એકસ્ટ્રા બસો ફાળવેલી છે. સાથે લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે. લોકલ સંચાલન ખોરવાય નહીં તે માટે બે ટ્રીપ મર્જ કરી હતી. સ્ટાફની અછત અને સીઝનને કારણે છેલ્લા 15 દિવસથી આ મુશ્કેલી હતી તે વાત સાચી છે. પરંતુ અમે વિદ્યાર્થીનીઓને ખાતરી આપી છે કે સોમવારથી આ પ્રશ્નનો ઉકેલ આવી જશે અને રાબેતા મુજબ બસ દોડશે. આવતીકાલે પણ બસ અલગ કરવાનો પ્રયત્ન કરીશું.'