ટંકારા : ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે ગત તારીખ 14 ફેબ્રુઆરીના રોજ ધોળા દિવસે થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ મોરબી ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં ગયેલ 100% મુદ્દામાલ તેમજ અન્ય કિંમતી ચીજવસ્તુઓ મળી કુલ રૂપીયા 25,21,855/- ના મુદ્દામાલ સાથે એક રીઢા તસ્કરને ઝડપી પાડ્યો છે.ઘટનાની વિગત: ધોળા દિવસે તાળા તૂટ્યાકલ્યાણપર ગામના રહેવાસી જયંતીલાલ વિરજીભાઈ ઉજરીયા (પટેલ) ગત 14 તારીખે સવારે 9:30 થી બપોરે 1:30 ના સમયગાળા દરમિયાન મકાન બંધ કરીને બહાર ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે મકાનનું તાળું તોડી અંદર પ્રવેશી તિજોરી અને કબાટમાં રાખેલ સોના-ચાંદીના દાગીના, ગીની અને રોકડ રકમની ચોરી કરી હતી. શરૂઆતમાં ફરિયાદીએ રૂ. 4.45 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી, પરંતુ બાદમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ચોરી થયેલ મુદ્દામાલની કિંમત લાખોમાં હતી.પોલીસની કામગીરી અને આરોપીની ધરપકડઆ ગંભીર ચોરીનો ભેદ ઉકેલવા મોરબી એલસીબી અને ટંકારા પોલીસની ટીમો કાર્યરત થઈ હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ખાનગી બાતમીના આધારે પોલીસે કલ્યાણપર ગામના જ સોહીલ સતારભાઇ દલ (સંધી) ને શંકાના આધારે ઉઠાવ્યો હતો. પોલીસની યુક્તિ-પ્રયુક્તિ પૂર્વકની પૂછપરછમાં સોહીલ ભાંગી પડ્યો હતો અને તેણે ચોરીની કબૂલાત કરી હતી.કબજે કરાયેલ મુદ્દામાલ (કુલ કિંમત રૂ. 25,21,855/-) • સોનાના મંગળસૂત્ર (નંગ-2): આશરે 6 તોલા (કિં. રૂ. 1,35,000/-) • સોનાના પાટલા (જોડી-1): આશરે 3 તોલા (કિં. રૂ. 73,000/-) • સોનાની 14 ગીની (140 ગ્રામ): કિં. રૂ. 18,20,000/- • ચાંદીના ચોરસા (1 કિગ્રા): કિં. રૂ. 2,35,000/- • રોકડ રકમ: રૂ. 1,56,580/- • અન્ય સોના-ચાંદીની ગીનીઓ, બુટ્ટી, પાયલ અને એક મોબાઈલ ફોન.આરોપીનો ગુનાહિત ઇતિહાસઝડપાયેલ આરોપી સોહીલ સતારભાઇ દલ અગાઉ પણ ચોરી અને સુરેન્દ્રનગરમાં હની ટ્રેપના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે. તે હજુ થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો અને ફરીથી તેણે આ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી. પંડ્યા, પીએસઆઈ બી.ડી. ભટ્ટ, પીએસઆઈ જે.પી. કણસાગરા અને તેમની ટીમ જોડાઈ હતી.