માટેલધામમાં મોટા વાહનોની પ્રવેશબંધી કરવા સરપંચની રજૂઆતની ઘરાર અવગણનાથી ગ્રામજનોમાં રોષ વાંકાનેર : વાંકાનેર નજીક આવેલા જગવિખ્યાત ખોડીયાર માતાજીના માટેલ ધામમાં ખનીજ માફીયાઓ બેલગામ બની ધામમાં મંદિર જવાના રસ્તે બેફિકરાઈથી વાહનો ચલાવી રીતસરનો ભયનો માહોલ પેદા કરવામાં આવેલ છે જેને લીધે મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ ગ્રામજનો માટે જીવલેણ અકસ્માત થવાની સંભાવના સેવાઈ રહી છે જે બાબતે ગામના સરપંચ દ્વારા વાંકાનેર સેવા સદન ખાતે મામલતદાર તથા પ્રાંત અધિકારી ને ખનીજ ભરેલા ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં નહીં આવતા ખનીજ માફીયાઓ બેલગામ બની ગયા છે માટેલ ધામમાં મંદિર ખાતે રોજ હજારો દર્શનાર્થીઓ દર્શને આવતા હોય છે જેમાં કેટલાક પગપાળા આવે છે. તથા વાહનો લઈને આવતા હોય છે.ત્યારે ટ્રાફિક સમસ્યા નિવારવા અને દર્શનાર્થીઓ શાંતિથી દર્શન કરી શકે તેમજ ગામમાં અકસ્માતની ઘટના ન ઘટે તે હેતુથી માટેલના સરપંચ દ્વારા ગામની બહારના રસ્તે ભારે વાહનો નીકળે તે માટે સરપંચ મુન્નાભાઈ દુધારેજિયા દ્વારા પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેને લાંબો સમય વિતી ગયો હોય છતાં સરકારી તંત્ર દ્વારા આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલ નથી પરિણામે ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારોભાર રોષની લાગણી વ્યાપી ગઇ છે. ગામલોકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે સરકારી તંત્ર ખનીજ માફીયાઓને કોઈના કોઈ પ્રકારે છાવરે છે અને આ સરકારી ખજાનાને નુકસાની પહોચાડતા ખનીજચોરો પર તંત્ર દ્વારા કેમ પગલાં લેવામાં નથી આવતા તે બાબતે પંથકમાં સરકારી તંત્ર પ્રત્યે તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે હવે જોવું રહ્યું કે તંત્ર લોકોની મુશ્કેલી દૂર કરવા કુંભકર્ણ નિંદ્રામાંથી જાગશે કે કેમ તે આવનારો સમય બતાવશે.