મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી અત્યંત ગોકળગાય ગતિએ: મહત્વની સરકારી કચેરીઓના રોડ પર પણ આખલાઓનો જમાવડોમોરબી અપડેટ : મોરબી શહેરમાં રસ્તે રઝળતા ઢોર અને ખાસ કરીને આખલાઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર વારંવાર સર્જાતા 'આખલા યુદ્ધ' હવે દૈનિક અને સામાન્ય બાબત બની ગયા છે, જેના કારણે નિર્દોષ નાગરિકો અને વાહનચાલકો ભારે ભયના ઓથાર હેઠળ રસ્તા પરથી પસાર થવા મજબૂર બન્યા છે.મોરબી મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કામગીરી અત્યંત ધીમી ગતિએ ચાલી રહી હોવાથી શહેરમાં સમસ્યાનો કોઈ જ નક્કર ઉકેલ જોવા મળતો નથી. શહેરના માત્ર સામાન્ય માર્ગો જ નહીં, પરંતુ જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડાની કચેરી અને કલેક્ટર કચેરી જેવા અતિ મહત્વના અને સતત વ્યસ્ત રહેતા માર્ગો પર પણ આખલાઓએ પોતાનો અડીંગો જમાવી દીધો છે.રોડ પર આખલાઓ બાખડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. આજે પણ શહેરના રસ્તા પર બે આખલાઓ વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું હતું, જેને પગલે ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. અવારનવાર રસ્તા વચ્ચે થતા આખલા યુદ્ધના કારણે વાહનોને નુકસાન થવાની અને રાહદારીઓને ગંભીર ઈજાઓ પહોંચવાની ભીતિ સેવાઈ રહી છે. મોરબીના નાગરિકોની ઉગ્ર માંગ છે કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં મહાનગરપાલિકા તંત્ર સફાળું જાગે અને ઢોર પકડવાની કાર્યવાહીને સઘન બનાવી લોકોના જાનમાલનું રક્ષણ કરે.#Morbi #MorbiNews #MorbiUpdate #StrayCattle #MorbiMunicipalCorporation #TrafficIssue #PublicSafety #CivicIssue