સતત ધમધમતા માર્ગ પર બુલ ફાઇટના દ્રશ્યો સર્જાતા વાહનચાલકો અને શાળાએ જતા બાળકોના વાલીઓમાં ભયનો માહોલમોરબી અપડેટ : મોરબી શહેરમાં રખડતા ઢોરનો આતંક અને ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના મુખ્ય અને સતત ધમધમતા એવા નવા બનતા રવાપર રોડ પર સવારના સમયે બે આખલાઓ વચ્ચે યુદ્ધ જામ્યું હતું, જેને પગલે રસ્તા પરથી પસાર થતા લોકો અને વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.જાગૃત નાગરિકના જણાવ્યા પ્રમાણે મોરબીના રવાપર રોડ પર કાદવ-કીચડ વાળા વિસ્તારમાં બે આખલાઓ અંદરોઅંદર ભયાનક રીતે લડી પડ્યા હતા. આ માર્ગ પરથી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે અને ટ્રાફિકની ભારે સમસ્યા પણ રહે છે, ત્યારે રસ્તાની બરોબર બાજુમાં જ આખલાઓ બાખડતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો.ખાસ કરીને સવારના સમયે શાળાએ જતા બાળકો અને તેઓને મુકવા કે તેડવા આવતા વાલીઓને ભારે મુશ્કેલી અને ભયનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અડધા કલાક કરતા વધુ સમયથી આ બુલ ફાઇટ ચાલી રહી હતી. સતત ધમધમતા માર્ગ પર આખલાઓના ભયાનક યુદ્ધના કારણે કોઈ મોટો અકસ્માત સર્જાવાનો ડર પણ વાહનચાલકોને સતાવી રહ્યો હતો. મોરબીમાં અવારનવાર રસ્તા પર રખડતા ઢોર અને આખલાઓના કારણે લોકો પરેશાન થઈ ચુક્યા છે, ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ જીવલેણ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી જાગૃત નાગરિકો માંગ કરી રહ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #RavaparRoad #StrayCattle #BullFight #GujaratNews #MorbiTraffic