મોરબી : મોરબી શહેરના સો ઓરડી વિસ્તારમાં આખલાઓએ આતંક મચાવ્યો હોવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આખલાયુદ્ધના કારણે અકસ્માતનું જોખમ રહે છે. ત્યારે આ સમસ્યાનું વહેલી તકે નિવારણ લાવવા લોકમાંગ ઉઠી છે. મોરબી ઔદ્યોગિકનગરી છે. પરંતુ હજુ પૂરતી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. શહેરના મુખ્ય માર્ગો અને શેરી-ગલીઓમાં આખલાયુદ્ધના બનાવો અવારનવાર બનતા હોય છે. ત્યારે મોરબીના સો ઓરડી વિસ્તારમાં આવેલ ચામુંડાનગરમાં રાત્રીના સમયે એકસાથે પાંચ આખલાઓ બાખડી પડ્યા હતા. આખલાઓના આતંકને લીધે રાહદારીઓ અને વાહનચાલકો પર અકસ્માતનો ખતરો વધી જાય છે. આથી, તંત્ર જાગે અને આખલાઓની યોગ્ય વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની માંગ છે.