મોરબીવાસીઓને હરવા-ફરવા માટે મચ્છુ નદીમાં રિવર ફ્રન્ટની સુવિધા આપવાની તાતી જરૂરિયાત હોવાની વિહિપ અગ્રણીની રજુઆત મોરબી : મોરબીવાસીઓએ આપબળે અકલ્પનિય વિકાસ સાધ્યો છે. ત્યારે જિલ્લો બનેલા મોરબીમાં હજુ પણ ઘણી સુવિધાઓનો મોટો અભાવ છે. ખાસ કરીને બાગ-બગીચા ઓછા હોય અને મોરબીવાસીઓને હરવા-ફરવા માટે છેક બહારગામ સુધી લંબાવું પડે છે. ત્યારે ઘર આંગણે પણ લોકોને ફરવા ફરવાની ખાસ સુવિધાઓ મળી શકે તેમ છે. જેમાં મચ્છુ નદી ઉપર સામા કાંઠે રિવર ફ્રન્ટ બનાવવા આવે તો મોરબીવાસીઓને ઘણો જ ફાયદો થાય એમ છે. વિશ્વ હિન્દુ પરિષદના મોરબી જિલ્લા મંત્રી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રી રૂપાણીને રજુઆત કરી છે કે મોરબી જિલ્લો બન્યા બાદ આપબળે ભારે વિકાસ થયો છે. ખાસ કરીને મોરબી ઔદ્યોગિક રીતે સમૃદ્ધ બન્યું છે. પણ શહેરીજનો માટે સુવિધાઓના હજુ પણ ફાંફા છે. ખાસ કરીને હરવા ફરવા માટે સારા સ્થળોને વિકસાવ્યા જ નથી.અબાલ વૃદ્ધ માટે જાહેરમાં હરવા-ફરવા માટે બાગ બગીચાઓની સુવિધાઓ પણ ખૂબ ઓછી છે. ત્યારે મોરબીવાસીઓને હરવા-ફરવા માટે સારા સ્થળનો વિકાસ થઈ શકે એમ છે. જેમાં મોરબીના સામા કાંઠે મચ્છુ નદી ઉપર રિવર ફ્રન્ટની યોજના સાકાર થાય તો અહીંની ધાર્મિક, શૈક્ષણિક સંસ્થાઓને સારો લાભ મળશે. મચ્છુ નદીના કિનારે આવેલ સંસ્થાઓનું રિવર ફ્રન્ટથી આકર્ષણ વધશે અને મોરબીવાસીઓને પણ સારી અને મહત્વની સુવિધાઓ મળશે. આથી, મોરબીના સામાકાંઠે મચ્છુ નદી ઉપર રિવર ફ્રન્ટની સુવિધા આપવાની માંગ કરી છે.