15માં નાણાંપંચની ગ્રાન્ટમાંથી 2.60 કરોડના આયોજનો માટે સદસ્યોના અભિપ્રાય મંગાયા મોરબી : મોરબી તાલુકા પંચાયતની શુક્રવારે મળેલી સાધારણ સભામાં રૂપિયા 1.5 કરોડની પુરાંતવાળું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી નોંધને બહાલી રાખી વર્ષ 25-26ના બજેટને આખરી બહાલી આપવા ઉપરાંત વર્ષ 2025-26માં 15 માં નાણાંપંચના કામોનું આયોજન કરવાના ઠરાવને બહાલી આપવામાં આવી હતી. મોરબી તાલુકા પંચાયત ખાતે શુક્રવારે મળેલી સાધારણ સભામાં પ્રમુખ અશોક દેસાઈ, ટીડીઓ પી.એસ.ડાંગર તેમજ ભાજપ અને કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોની હાજરીમાં વર્ષ 2025-26ના બેજટને મંજુર કરવામાં આવ્યું હતું. રૂપિયા 1.5 કરોડની પુરાંતવાળા બજેટમાં રૂ.7.5 કરોડ સ્ટેમ્પ ડ્યુટીની આવક, રૂ.8.15 લાખની મહેસુલી આવક અને 15 હજારની પરચુરણ આવક મળી કુલ 7.58 કરોડની આવક અંદાજવામાં આવી હતી.જયારે વર્ષ 2025-26માં 15માં નાણાં પંચના રૂ.2.60 કરોડના આયોજનો માટે સદસ્યોને કામો સૂચવવા જણાવ્યું હતું તેમજ સ્વ. ભંડોળના રૂ.4 કરોડના વિકાસ કામો માટે ગામ સમસ્તને ઉપયોગી થાય એવા વિકાસકામો સૂચવવા પ્રમુખે સદસ્યોને જણાવ્યું હતુંઉલ્લેખનીય છે કે, મોરબી તાલુકા પંચાયતના બજેટમાં રૂ.4.91 કરોડ વિકાસના કામો માટે, રૂ. 3.63 લાખ હોદ્દેદારોના પગાર ભથ્થા અને મુસાફરી ખર્ચ માટે, રૂ.37.86 લાખ ઓફિસ ખર્ચ પેટે, ખેતીવાડી ક્ષેત્રે 2 લાખ, શિક્ષણ માટે રૂ.1 લાખ, આયુર્વેદ માટે 10 હજાર, સમાજ કલ્યાણ ક્ષેત્રે 2 લાખ, કુટુંબ કલ્યાણ માટે 30 હજાર, પશુપાલન માટે રૂ.50 હજાર, કુદરતી આફતો માટે 50 હજાર તેમજ કચેરી રીપેરીંગ અને બિલ્ડીંગ અદ્યતન માટે રૂ.40 લાખ તેમજ નવા વાહન માટે 15 લાખ, ફર્નિચર માટે 10 લાખ મળી કુલ 6 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો.