મર્યાદિત શ્રોતાઓ માટે જ પ્રત્યક્ષ કથા શ્રવણની મંજૂરી (કેતન ભટ્ટી) વાંકાનેર : કચ્છના રાપર તાલુકાના મોટા રણની કાંધી પર સ્થિત નાના એવા વ્રજ વાણી ગામ ખાતે મોરારી બાપુની વર્ચ્યુઅલ માનસ કથાનો ગત તા. 13નાં રોજ પ્રારંભ થયો છે અને તા. 21નાં રોજ પૂર્ણાહુતિ થશે.આ કથામાં બીએસએફ જવાનોનું સન્માન કરાયું હતું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ વ્રજ વાણી જ્યાં એક સમયે આહિરોનાં કબીલા વસતા અને આ સ્થાન પર 140 આહીરાણીઓ સતી થઈ હોવાની દંત કથા હોવાનું મનાય છે. જ્યાંથી પાકિસ્તાની સરહદ માત્ર 40 કિ.મી. દૂર છે. આ સ્થળે સરકારી ગાઈડલાઈન મુજબ મર્યાદિત પ્રત્યક્ષ શ્રોતાઓને જ મંજૂરી સાથે બાપુની વર્ચ્યુઅલ કથા યોજાઈ છે. ધાર્મિક ચેનલો મારફત લાખો લોકો કથા શ્રવણ લાભ લઈ રહ્યા છે. વ્રજ વાણી પાકિસ્તાની સરહદ નજીકનું ગામ હોય. અહીં દેશની સુરક્ષા કાજે બીએસએફનાં જવાનો સતત સજ્જ રહે છે. મોરારી બાપુની કુટિર પાસે સૈન્ય દળના કેમ્પ આવેલ હોય. ત્યારે મોરારી બાપુએ કેમ્પમાં પધરામણી કરી હિંદ ભૂમિનાં વીર સપૂતોને બિરદાવી સાધુવાદ પાઠવ્યા હતા. ત્યારે સુરક્ષા દળનાં જવાનોએ ધન્યતા અનુભવી હતી. અને બાપુએ જવાનોને પ્રસાદ રૂપે રામ નામી અર્પણ કરી હતી.