રોડની સાઈડમાં આવેલા ઘટાદાર વૃક્ષ પેવર બ્લોક નાખવામાં અને વાહન પાર્કિંગમાં નડતર રૂપ લાગતા કાપી નંખાયા : પાલિકા અને કલેકટર સામે એનજીટીમાં ફરિયાદ પર્યાવરણ પ્રેમીઓએ ઉહાપોહ કરતા વૃક્ષ કાપ્યા બાદ મંજૂરી આપવાની વાતો કરતા પાલિકાના ચીફ ઓફિસર મોરબી : મોરબીમાં પર્યાવરણના જતનનો ભાર મૂકી વધુ વૃક્ષો વાવવાની ગુલબાંગો હાકનાર ખુદ તંત્ર જ પર્યાવરણના જતન કરવાની વાતનો અમલ ન કરી રવાપર રોડ ઉપર ઘેઘુર એવા પાંચથી છ જેટલા વૃક્ષનો સોથ વાળી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં કચવાટ ફેલાયો છે. ટ્રાફિકને અડચણરૂપ ન હોવા છતાં તંત્રએ વૃક્ષો કાઢી નાખતા સ્થાનિકોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે. આથી સ્થાનિકોએ આ મામલે મોરબી પાલિકા અને કલેકટર સામે એનજીટીમાં ફરિયાદ પણ કરી છે. મોરબીના રવાપર રોડની બન્ને સાઈડમાં લીલાછમ લહેરાતા ઘટાદાર વૃક્ષોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. રવાપર રોડ પરના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગતરાત્રે નગરપાલિકાએ રવાપર રોડની બન્ને સાઈડમાં રહેલા વૃક્ષોનું આડેધડ નિકંદન કરી નાખ્યું હતું. જેમાં આ વૃક્ષો ટ્રાફિકને અડચણરૂપ ન હોવા છતાં પેવર બ્લોક નાખવાના બહાને અને વૃક્ષોની માવજત ન કરવી પડે એટલે તંત્રએ આ વૃક્ષોને કાઢી નાખ્યા છે. ખુદ તંત્રએ પર્યાવરણના જતન અને વધુ વૃક્ષો વાવોના અભિયાનને જાતે જ કચડી નાખ્યું છે. વૃક્ષોના આડેધડ નિકંદન કરતા લોકો ઉકળી ઉઠ્યા છે અને આ અંગે જવાબદાર મોરબી નગરપાલિકા તેમજ કલેકટર સામે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ એટલે એનજીટીમાં ફરિયાદ પણ કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રવાપર રોડ ઉપર મોટી સંખ્યામાં વાહનોનો ઘસારો રહે છે. એટલે પ્રદુષણ તેમજ ધૂળ ઊડતી હોય ત્યારે આ વૃક્ષો પોલ્યુશન સામે સંતુલન જાળવી શકે એમ હતા.પણ તંત્રએ કોઈ બહાના હેઠળ આ વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. આમ પણ મોરબી શહેરમાં પ્રદુષણ વધી રહ્યું છે અને કોરોના સમયે ઓકિસીજનની ડાહી - ડાહી વાતો કરનાર લોકો જ આ વૃક્ષના નિકંદન કાઢવામાં સાક્ષી બન્યા હતા. એક તરફ શહેરમાં વૃક્ષોની સતત ઘટતી સંખ્યા સામે પાલિકા તંત્ર વૃક્ષ વાવીને ઉછેરી શકતી નથી ત્યારે મંજૂરી વગર રાતો રાત વૃક્ષ છેદન કરતા પર્યાવરણ પ્રેમીઓ ઉકળી ઉઠ્યા છે. આશ્ચર્ય તો એ વાતનું છે કે સામાન્ય રીતે કોઈ પણ વૃક્ષ કાપવાની જરૂરિયાત ઉભી થઈ હોય ત્યારે તમામ વહીવટી મંજૂરી લેવી ફરજિયાત હોય છે ત્યારે આજની ઘટનામા વૃક્ષ કપાઈ ગયા બાદ ચીફ ઓફિસરે સ્વીકાર્યું હતું કે સ્થાનિકોની રજુઆત મળી છે હવે વૃક્ષ કાપવાની મંજૂરી આપવામાં આવશે આ સંજોગોમાં પર્યાવરણ પ્રત્યે ચીફ ઓફિસર કેટલા જવાબદાર છે તે સ્પષ્ટ પણે જણાઈ આવે છે.