મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ધનરાજ અને રામજીએ મુઠ્ઠીઓ વાળી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે નવલખી ફાટક નજીક વોચ ગોઠવી અંદાજે દોઢેક લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મોરબીમાં ઉતરે તે પહેલા જ સ્વીફ્ટ કારનો ફિલ્મી ઢબે પીછો કરી કચ્છના દારૂ સપ્લાયર ભુરાને ઝડપી લીધો હતો. જો કે પોલીસને જોઈ મોરબીનો બુટલેગર તેમજ એક અન્ય શખ્સ અંધારામાં મુઠ્ઠીઓ વાળી ઓગળી જતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી 4.49,650નો મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા ત્યારે પો.કોન્સ ચકુભાઇ કરોતરાને ખાનગીરાહે બાતમી મળેલ કે મોરબીના ઘનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા તથા તેની સાથેનો એક માણસ સ્વીફ્ટ કાર રજી નં.GJ-01-HV-4894 વાળીમા ઈંગ્લીસ દારૂ ભરીને મોરબી નવલખી ફાટક ધક્કા વાળા મેલડી માના મંદીરની બાજુ આવી રહ્યો છે. આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતા સ્વીફટ કાર આવતા સાથે જ બુટલેગર ટોળકી પોલીસને દુરથી જોઇ કાર ભાગવા લાગી હતી. જો કે સીટી એ ડિવિઝન પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરતા આ કાર મોરબી રણછોડનગર સેન્ટમેરી સ્કુલ પાછળ અવાવરૂ જગ્યાએ રાખી બે ઇસમો નાસી ગયા હતા. જો કે પોલીસે આરોપી અયુબભાઇ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ સમા, રહે.શીકારપુર ગામ તા.ભચાઉ જિ.કચ્છ વાળાને આબાદ ઝડપી લીધો હતો. દરમિયાન સ્વીફ્ટ કારની તલાસી લેતા કારમાંથી મેકડોવેલ નંબર વન બ્રાન્ડ દારૂની બોટલ નંગ-372, કિ.રૂ.1,49,650 મળી આવતા પોલીસે સ્વીફટ કાર નં.GJ-01-HV-4894 કી.રૂ.3 લાખ સહિત કુલ રૂપિયા 4,49,650નો મુદામાલ કબ્જે કરી નાસી છૂટેલા ધનરાજસિંહ ઉર્ફે ધનરાજ શાંતુભા મકવાણા રહે મોરબી અને રામજીભાઇ રાજપુત રહે ચિત્રોડ ગામ તા.રાપરને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો. આ સફળ કામગીરી એ ડિવિઝન પીઆઇ એમ.પી.પંડયા, એ.એસ.આઇ. કિશોરદાન ગઢવી, પો.હેડ.કોન્સ. મનસુખભાઇ દેગામડીયા, પો.કોન્સ. ચકુભાઇ કરોતરા, આશિફભાઇ રાઉમા, અરજણભાઈ ગરીયા, હસમુખભાઇ પરમાર, તેજાભાઇ ગરચર, શકિતસિંહ પરમાર તથા હિતેષભાઈ ચાવડા, વગેરે સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.