વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે બનેલી અરેરાટી જનક ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે અરેરાટી જનક ઘટનામાં ખેત શ્રમિકના બાળકોએ વાડીની ઓરડી ઉપર રમતા - રમતા લોખંડનો સળીયો હેવી વીજલાઇનને અડાડી દેતા બન્ને ભાઈ બહેન ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન બહેનનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે યુનુશભાઇ જીવાભાઇ ભોરણીયાની વાડીએ ખેત મજૂરી કરતા શ્યારામચંદ્ર ખરાડીના પુત્ર અને પુત્રી વાડીની ઓરડી ઉપર રમતા હતા ત્યારે રમત-રમતમાં હાથમાં રહેલ લોખંડનો સળીયો ઇલેવન કેવી હેવી વીજલાઇનને અડાડી દેતા બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. વધુમાં આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલ પાયલ શ્યારામચંદ્ર ખરાડીનું મૃત્યુ નીપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.