મોરબી : શહેરમાં ભૂગર્ભ ગટરો અંગેની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે. મોરબી શહેરનો ભાગ્યે જ કોઈ વિસ્તાર એવો હશે કે જ્યાં ભૂગર્ભ ગટરને લગતી કોઈ સમસ્યા ન હોય. મોરબીના ગ્રીનચોંક વિસ્તારમાં આવેલી મોટી માધાણી શેરી પાસે ઘણા સમયથી ભૂગર્ભ ગટરનું ઢાંકણું અને આજુબાજુનું સ્થળ તૂટેલી હાલતમાં જાણે કે કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું હોય એવી દશામાં હોવા છતાં તંત્રને આ બાબતે તસ્દી લેવાનું સૂઝતું નથી. સાંકડી શેરીમાં રસ્તાની મધ્યમાં ભૂગર્ભ ગટરનું ઢાંકણું તૂટેલી હાલતમાં હોવાથી સ્થાનિકોને ચાલવામાં તો તકલીફ પડે જ છે સાથોસાથ વાહન ચાલકો માટે આ ઢાંકણું અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ શેરીમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે. આ તૂટેલા ઢાંકણાની આજુબાજુના તમામ બ્લોક તૂટી જવાથી મોટો ખાડો પડી ગયો છે જે રાહદારીઓ તેમજ વાહન ચાલકો માટે વધુ જોખમી બની રહ્યો છે. સ્થાનિકોએ આ બાબતે તંત્રને કરેલી વારંવારની રજુઆત તંત્રની આદત પ્રમાણે બહેરા કાને અથડાતી નથી. ત્યારે સ્થાનિકો આ સમસ્યાથી જો કોઈ અકસ્માત થશે તો એના માટે માત્ર તંત્ર જ જવાબદાર હશે એવું જણાવી રહ્યા છે.