જિલ્લાના દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં વધુ સારી સુવિધા મળશે મોરબીઃ મોરબી ખાતેની સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા પ્રકારના તજજ્ઞ-ડોકટરોની વર્ગ-૧ની ખાલી જગ્યાઓ ભરાય તે માટે મોરબી, માળીયા(મી.)ના ધારાસભ્ય અને શ્રમ, કૌશલ્ય વિકાસ, રોજગાર અને પંચાયત(સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા સતત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ચીફ પર્સોનલ ઓફિસર, કમિશનર-આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ તથા અધિક મુખ્ય સચિવ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ આરોગ્ય મંત્રી સમક્ષ સતત રજુઆતો કરીને તથા સઘન ફોલો-અપ લીધું હતું. તેના પરિણામ સ્વરૂપે મોરબી સરકારી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.મિરલ આદ્રોજા, જનરલ સર્જન તરીકે ડો.યશ પટેલ તથા રેડીયોલોજીસ્ટ વર્ગ-૧ તરીકે ડો.હર્ષિલ અવેરાની નિમણૂકોના હુકમો કરી દેવામાં આવ્યા છે. આમ, તજજ્ઞ વર્ગ-૧ના ડોકટરોની સેવાઓ મોરબી સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ કરાયેલ છે. હાલ ઓર્થોપેડિક સર્જન તરીકે સી.એમ.સેતુ યોજના હેઠળ ભરાયેલ છે. હવે આમ, મોરબી સીવીલ હોસ્પિટલની વર્ગ-૧ના તજજ્ઞ ડોકટરો તથા વર્ગ-રના મેડિકલ ઓફિસરોની ૯૦ ટકા જેટલી જગ્યાઓ ભરાય ગઈ છે. જેનો લાભ સિવિલ હોસ્પિટલમાં આવતાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર સારી સારવાર આવાં તજજ્ઞ વર્ગ-૧ ડોકટરો મારફત મળે તે માટે સતત ચિંતા સેવીને બ્રિજેશ મેરજાએ આ જગ્યાઓ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભરાય તે માટે જે જહેમત ઉઠાવી હતી તે ફળી છે. બ્રિજેશ મેરજાએ ઉપરોકત જગ્યાઓ આરોગ્ય વિભાગ દ્વારા ભરવામાં આવતાં માનનીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર વ્યકત કર્યો છે.