મંત્રી બ્રિજેશ મેરજાની દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત : વડાપ્રધાને મોરબીના ખબર અંતર પૂછી ગ્રામ પંચાયત વિભાગની તમામ ઝીણવટભરી વિગતો મેળવી મોરબી : શું હાલ-ચાલ છે મોરબીના ? સિરામિક ઉદ્યોગ કેવો ચાલે છે ? તેવો સવાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની શુભેચ્છા મુલાકાતે આવેલા મંત્રી બ્રિજેશ મેરજા સમક્ષ કર્યો હતો. આ ઉપરાંત વડાપ્રધાને મોરબીની તેમજ બ્રિજેશભાઈના વિભાગની ઝીણવટ ભરી માહિતી પણ મેળવી હતી. રાજ્યના પંચાયત, શ્રમ અને રોજગાર(સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેઓએ શાલ ઓઢાડી નરેન્દ્ર મોદીનું સન્માન પણ કર્યું હતું. વધુમાં બ્રિજેશભાઈ મેરજાને પ્રથમ તો વડાપ્રધાન મોદીએ એ જ સવાલ કર્યો કે શું હાલ- ચાલ છે મોરબીના ? સિરામિક ઉદ્યોગ કેવો ચાલે છે ? ત્યારે જવાબમાં મંત્રી બ્રિજેશ મેરજાએ કહ્યું હતું કે મોરબીમાં ટનાટન છે. સિરામિક ઉદ્યોગ પણ વિશ્વમાં નંબર વન બનવાની દોડમાં ખૂબ મહેનત કરી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાને સ્થાનિક તંત્ર વિશે પણ માહિતી મેળવી હતી. વધુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બ્રિજેશભાઈ મેરજા વચ્ચે રાજ્યના પંચાયત વિભાગની કામગીરી, સામાન્ય મુદ્દાઓ સહિતની ચર્ચાઓ થઈ હતી. બ્રિજેશભાઈ મેરજાએ સરકારે ચાઈના ઉપર એન્ટી ડમપિંગ ડ્યુટી નાખી તે બદલ વડાપ્રધાનનો સિરામિક ઉદ્યોગો વતી આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિજેશભાઈ મેરજાને ઉષ્માભર્યો આવકાર આપ્યો હતો. વધુમાં તેઓની સાથે મુક્તમને ચર્ચા પણ કરી હતી. વડાપ્રધાને જુના સંસ્મરણો વાગોળ્યા : મેરજા મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું કે આદરણીય પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીની આજે શુભેચ્છા લઈને જનહિતમાં વધુ લોક કલ્યાણકારી કામ કરવાના આશીર્વાદ મળ્યા છે. તેઓ સાથેના સંવાદ અને પ્રત્યક્ષ મુલાકાતથી નવી ઊર્જા મેળવીને જૂના સંસ્મરણો વાગોળ્યા હતા. મેં આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીનું કચ્છી શાલ ઓઢાડીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના કલામજી સાથેના સંવાદોની કિતાબ પણ અર્પણ કરી છે. તેઓને મેં ગુજરાત રાજ્યના પંચાયત, શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગની કામગીરી સુમાહિતગાર કર્યા હતા. વડાપ્રધાને કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટીમાં રસ દાખવી તેની વિસ્તૃત માહિતી મેળવી મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું કે વૈશ્વિક ક્ષેત્રે વિવિધ સેક્ટરોમાં પણ સતત બદલાતી ટેકનોલોજી અનુરૂપ કુશળ માનવબળની જરૂરીયાત દિવસે દિવસે વધી રહી છે. આવા સંજોગોમાં કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં તાલીમની ગુણવત્તાને વેગ આપવા માટે તેમજ શિક્ષણ, તાલીમ અને સંશોધન માટે માળખુ તૈયાર કરવા માટે કૌશલ્ય સ્કીલ યુનિવર્સીટીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ યુનિવર્સિટી ગુજરાતના અનેક યુવાનોના કૌશલ્યવર્ધન વિકાસમાં અહમ ભૂમિકા ભજવવાની છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યુનિવર્સિટી વિશે રસ દાખવી તેની ઊંડાણપૂર્વકની માહિતીઓ મેળવી હતી.