દરરોજ 4000 ટ્રકો રાજસ્થાનથી માટી લઈ મોરબી આવે છે, રો-રો સેવા શરૂ કરવા મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.ની રજૂઆત પ્રત્યે ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટે હકારાત્મક અભિગમ દાખવી પ્રોજેકટ માટેની શક્યતાઓ તપાસવાનું શરૂ કર્યુંમોરબી : મોરબી જિલ્લામાં ટાઇલ્સના ઉત્પાદન માટે જરૂરી ખાસ પ્રકારની માટી રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી દરરોજ મોટી માત્રામાં ટ્રકો દ્વારા રસ્તાઓ દ્વારા લાવવામાં આવે છે. હાલમાં, દરરોજ લગભગ 4000 ટ્રક રાજસ્થાનથી મોરબી માટી લાવે છે. ત્યારે રોડ ઉપર ટ્રાફિક ઓછું થાય તે માટે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો.એ આ મામલે રજુઆત કરતા જી-રાઈડ (ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ)એ હકારાત્મક અભિગમ અપનાવી આ મામલે શક્યતાઓ તપાસવા અજમેરના સિનિયર ડીઓએમને પત્ર લખ્યો છે.મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને પોતાની રજુઆતમાં માંગ કરી હતી કે જો રાજસ્થાનના બ્યાવર વિસ્તારમાં રો-રો ટ્રેન માટે લોડિંગ પોઇન્ટ ગોઠવવામાં આવે અને ત્યાંથી મોરબી નજીક મકનસર (રફાળેશ્વર) સ્થિત જી-રાઇડના રેલ્વે ટર્મિનલ સુધી ટ્રેનો ચલાવવામાં આવે, તો માટીના લોજિસ્ટિક્સ પરિવહન માટે વધુ વ્યવસ્થિત અને સલામત વિકલ્પ ઉપલબ્ધ થશે. ત્યાંથી, માટીને ટ્રક દ્વારા સંબંધિત ફેક્ટરીઓમાં લઈ જઈ શકાય છે, જેનાથી માર્ગ અકસ્માતો ઘટશે, માર્ગોનું જતન થશે અને પર્યાવરણનું રક્ષણ કરવામાં પણ મદદ મળશે. ભાડું એવી રીતે નક્કી કરવામાં આવે કે તે ટ્રાન્સપોર્ટરો માટે પોસાય અને વ્યવહારુ હોય.મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પત્રના આધારે, જી-રાઈડ (ગુજરાત રેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ) દ્વારા બ્યાવરથી મોરબી સુધીના રોજના 4000 ટ્રકના ટ્રાફિકને રેલ નેટવર્કમાં રૂપાંતરિત કરવાની શક્યતાઓ પર વિચારણા ચાલી રહી છે. આ ટ્રાફિકના 25% ભાગને રેલમાં ખસેડવાથી દરરોજ લગભગ 25 રેકનું ટ્રાન્સપોર્ટ શક્ય બનશે. આ માટે વેસ્ટર્ન રેલવે અને નોર્થ વેસ્ટર્ન રેલવેના સહયોગથી બ્યાવર અને મોરબી/રફાળેશ્વર વચ્ચે ટ્રક-ઓન-ટ્રેન સેવા શરૂ કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. હાલમાં રોડ ટ્રાન્સપોર્ટનો ખર્ચ ટોલ સહિત ટન દીઠ લગભગ રૂ.1,000 છે. રેલ ટ્રાન્સપોર્ટને વધુ આકર્ષક બનાવવા, ખાલી વેગનના ચાર્જમાં છૂટ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. જી-રાઈડે બ્યાવર ખાતે લોડિંગ પોઈન્ટ સ્થાપવા અને રો-રો સેવાની ટેકનિકલ શક્યતાઓની તપાસ માટે રેલવેના સંબંધિત અધિકારીઓને દરખાસ્ત કરી છે.આ યોજના અમલમાં આવે તો રસ્તાઓ પરનો ટ્રાફિક ભાર ઘટશે, પર્યાવરણની ગુણવત્તામાં સુધારો થશે અને લોજિસ્ટિક્સ ખર્ચમાં બચત થશે. આ માટે વેસ્ટર્ન રેલવે અને નોર્થ વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ શક્યતાઓ તપાસી રહ્યા છે.