મોરબીને મહાપાલિકાનો દરરજો આપવા અંગેના પ્રશ્નના જવાબમાં મોરબીને હાલ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કોઈ યોજના ન હોવાનું સરકારે જણાવ્યું મોરબી : ગુજરાત વિધાનસભાના ચાલુ સત્ર દરમ્યાન મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી વિસ્તારના વિવિધ પ્રશ્નો સવિસ્તાર ફ્લોર પર રજૂ કર્યા હતા. આ પ્રશ્નો પૈકીના એકના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકામાં બદલવાની હાલ કોઈ યોજના ન હોવાનું જણાવ્યું હતું. વિધાનસભાના ચાલુ થયેલા સત્રના પ્રથમ દિવસે જ મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પંથકના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા હતા. જે પૈકી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું કે હાલ 6 જેટલા પ્રાદેશિક નગરપાલિકા નિયામક કાર્યરત છે અને નગરપાલિકાનું મોનીટરીંગ તેમના દ્વારા થતું હોય હાલ કોઈ પણ નગરપાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર કરવાનું થતું નથી. અન્ય પ્રશ્નોતરીમાં મેરજાએ મહેસુલ વિભાગના વહીવટી તંત્રમાં મામલતદાર સહિતની કેડરની જગ્યા ખાલી હોવાને કારણે ઝડપી કાર્યવાહી થતી ન હોવાની રજુઆત કરી હતી. વળી ઓનલાઈન ચાલતી કામગીરીમાં ઈન્ટરનેટ ફ્રિકવનસી તેમજ કનેક્ટિવિટીની સમસ્યા તેમજ તેના નિવારણ હેતુની જાણકારી સદનના ધ્યાને મૂકી હતી. આ બાબતે આંકડાકીય તેમજ તલસ્પર્શી માહિતી રજૂ કરતા વિધાનસભા અધ્યક્ષે તેની ખાસ નોંધ લીધી હતી. મોરબીના સીરામીક ઉધોગને મંદીમાંથી ઉગારવા મેરજાએ વ્યવહારુ સૂચન કર્યા હતા. જેમાં વેરા સમાધાન યોજનાની મુદત 3 માસ વધારી આપી સીરામીક ઉધોગને પણ આ યોજનાનો લાભ આપવા ધારદાર રજુઆત કરી હતી. ઉધોગ જગતને રોડ-રસ્તા, પાણી, ટ્રાન્સપોર્ટેશન માટે ટ્રાન્સપોર્ટ નગર જેવી માળખાગત સુવિધા સત્વરે પુરી પાડવા રજુઆત કરી હતી.