4 મહિના સુધી ભારે વાહનો માટે બ્રીજ બંધ, વૈકલ્પિક રસ્તો વાયા પડધરી રહેશેટંકારા : ટંકારા તાલુકામાં આવેલા 29 કિલોમીટરના લતીપર સાવડી રોડ પર આજી નદી પર આવેલા મેજર બ્રીજના સમારકામની કામગીરીના કારણે આ પુલ ટ્રકો કે અન્ય ભારે વાહનોની અવરજવર માટે તારીખ 27 ઓગસ્ટથી બંધ કરવાનું જાહેરનામું બહાર પાડીને વૈકલ્પિક રોડ જાહેર કરવામાં આવ્યો છે. પાટીદાર અગ્રણી મહેશભાઈ રાજકોટીયા દ્વારા ખાખરા પાસેનો પુલ જર્જરીત હોવાના આક્ષેપ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.ટંકારા ખાતે લતીપર રોડ પર આજી નદી ઉપર આવેલા મહત્વના બ્રિજનું નવીનીકરણનું કામ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે 83 લાખ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે અને કામ પૂર્ણ થવા માટે 4 મહિનાનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે. આ દરમિયાન ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે , જેના પગલે મોટા વાહનો માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે.આ નવીનીકરણ કાર્યમાં બ્રીજની મજબૂતાઈ અને ટકાઉપણું વધારવા માટે અનેક મહત્વની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવશે. આમાં ગન્ટીંગ (Gunting), એક્સપાન્શન જોઈન્ટ (Expansion Joint) અને બેરિંગ રીટ્રોફિટ (Bearing Retrofit) જેવા કામોનો સમાવેશ થાય છે. આ કામગીરીથી બ્રિજની રચનાત્મક સ્થિરતા વધશે અને ભવિષ્યમાં વાહનોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત થશે.સમારકામના કામગીરીની વિગત આપતા રાજ્યના રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગ (R&B Department) ના એન્જિનિયર હિતેશ આદ્રોજાએ જણાવ્યું હતું કે, ટંકારાના આજી નદીના બ્રીજના સમારકામ દરમિયાન ભારે વાહનોને લતીપર રોડનો ઉપયોગ કરવાની મનાઈ રહેશે. વહીવટીતંત્ર દ્વારા વૈકલ્પિક રૂટની વિગતો જાહેર કરવામાં આવી છે. જે ટંકારા મિતાણા ચોકડી થી પડધરી થી ધ્રોલ તરફ જવાનુ રહેશે. જ્યારે પીપળીયા ચોકડીથી ભાદરા ધ્રોલ વાળો રસ્તો ઉપયોગ કરવા યાદીમાં જણાવાયું છે. જામનગરથી આવતા વાહનો ધ્રોલ થી પડધરી મિતાણા ટંકારા થઈને મોરબી આવી શકશે તથા ધ્રોલથી નેશનલ હાઈવેના ચાર માર્ગીય રસ્તાથી પીપળીયા ચોકડીથી મોરબી અને કચ્છ જઈ શકાશે. કચ્છ તરફથી આવતા વાહનો મોરબી બાયપાસ થી પીપળીયા ચોકડીથી નેશનલ હાઈવેના રસ્તા પરથી આમરણ ધ્રોલ થઈને જઈ શકશે તથા મોરબી થી મિતાણા પડધરી થઈને ધ્રોલ જામનગર જઈ શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારા પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયા દ્વારા આ પુલની જાત નિરીક્ષણ કરી જર્જરીત હાલતમાં હોવાનું સોશ્યલ મીડિયા દ્વારા ચોંકાવનાર ફોટા વાયરલ કર્યા બાદ રોડ વિભાગ હરકતમાં આવ્યુ હતું અને આ અંગે તપાસ હાથ ધરી તાકીદે રિપેરિંગ કામગીરી ચાલુ કરી છે.